જુના વાડજમા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલા ગેસની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | Vadaj police burst gas stolen scam and arrest two accused with gas cylinder

અમદાવાદ,ગુરૂવાર
ગ્રાહકો સુધી ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલાં ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા બે શખ્સોને વાડજ પોલીસે ઝડપીને ૨૧ જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વાડજમાં આવેલી ગેસ એજન્સીમાં બંને કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખોડીયારનગરમાં પણ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ગેસ એજન્સીઓના સંચાલકોની સંડોવણી પણ બહાર આવી હતી.
જુના વાડજ રામાપીરના ટેકરા પાસે કેટલાંક લોકો છેલ્લાં ઘણા દિવસોથી ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હોવાની બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ડાંગરને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા મયુર રાવત (રહે. રામ કોલોની, નવા વાડજ) અને કાનજી પરમાર (રહે. ભરવાડવાસ, નવા વાડજ)ને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસને ૨૧ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.બંને શખ્સો એક સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી ગેસ સિલિન્ડરનું બુકીંગ ધરાવતા ૧૯ ગ્રાહકોની બુકીંગ સ્લીપ પણ મળી હતી.
જે વાડજમાં આવેલી ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ડીલેવરી થાય તે પહેલા સિલિન્ડરનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસનની .ચોરી કરીને ડુપ્લીકેટ સીલ ફરીથી લગાવી દેતા હતા. આમ ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને ચોરી કરેલો ગેસ ખાલી સિલિન્ડરમાં ભરીને બજારમાં બમણી કિંમતે વેચાણ કરતા હતા. થોડા સમય પહેલા એસઓજીએ દાણીલીમડા ખોડીયારનગરમાં ચાલતા ગેસ ચોરીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને મોટાપ્રમાણમાં ગેસ સિલિન્ડર પણ જપ્ત કર્યા હતા. જેમાં ગેસ એજન્સીઓ સાથે સંકળાયેલા ચોક્કસ એજન્ટોની મદદથી પ્રતિદિન ૨૦૦થી વધુ ગેસ સિલિન્ડરને ગ્રાહકો સુધી પહોચાડતા પહેલા ખોડીયારનગરમાં લાવીને ગેસની ચોરી કરવામાં આવતી હતી. આ કેસમાં કેટલાંક ગેસ એજન્સીઓના સંચાલકોના નામ પણ સામે આવ્યા હતા.



