પ્રોપર્ટી કાર્ડમાં માપણીની વિસંગતતા: અમદાવાદમાં બે સરકારી કચેરીઓના તાલમેલના અભાવે મિલકતધારકોને કોર્ટના ધક્કા વધ્યા | Ahmedabad News City Survey Office Property Card and DILR Discrepancy

![]()
Ahmedabad News: અન્ય સરકારી ખાતાના અધિકૃત દસ્તાવેજને બીજા સરકારી ખાતાના અધિકારી દ્વારા નહીં સ્વીકારવાના કારણે હજારો નાગરિકો ભારે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. ક્યારેક કેટલાક અધિકારીઓ આવી સ્થિતિનો લાભ ઉઠાવી વહીવટની ફિરાકમાં હોય છે, પરંતુ ભ્રષ્ટાચારનો ભુજંગ કોઈના કોઈ કારણોસર વધુને વધુ ક્ષેત્રોમાં પોતાનો ભરડો લે તે પહેલા આવા અનેક પ્રશ્નોનો નિવેડો આવે તે જરૂરી છે. અમદાવાદમાં સીટી સર્વે કચેરી દ્વારા અપાયેલા પ્રોપર્ટી કાર્ડ અને જમીનની માપણી કરતાં DILRના ક્ષેત્રફળ વચ્ચે વિસંગતતાના અનેક કેસો સામે આવી રહ્યા છે. આવા જ બે કિસ્સા તાજેતરમાં ચર્ચાસ્પદ બન્યા છે.
પ્રોપર્ટી કાર્ડમાં માપની વિસંગતતા
અમદાવાદમાં ભીમજીપુરા ખાતે આવેલી સીટી સર્વે કચેરી દ્વારા કેટલીક સોસાયટીઓના મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા. 75 વર્ષ કરતા પણ વધુ જૂની એવી સ્ટેડીયમ વિસ્તારની સરદાર પટેલ કોલોનીના એક બંગલાનું પણ પ્રોપર્ટી કાર્ડ સોંપાયું હતું. જેમાં જમીનનું ક્ષેત્રફળ 246.84 ચોરસ મીટર (પ્રોપર્ટી કાર્ડ મુજબ) દર્શાવેલ છે. આ ક્ષેત્રફળમાં છેલ્લા 75 વર્ષમાં કોઈ જ ફેરફાર કરાયો નથી, 1983માં સીટી સર્વે દાખલ કરતી વખતે સ્થળ, માપણી કે હક્ક ચોકસાઈ થઇ હોય તેવા કોઈ જ પુરાવા સોસાયટી રેકોર્ડ કે સરકારી દફતરમાં ઉપલબ્ધ નથી.
DILR મુજબ અલગ ક્ષેત્રફળ
બાજુની બિલ્ડિંગમાં સરકારનું જમીનની માપણી કરતુ બીજું ખાતું DILR(District Inspector Land Record) બેસે છે તેમની પાસે અધિકૃત રીતે માપણી કરાવતા આ ક્ષેત્રફળ સ્થળ પર 283.14 ચોરસ મીટર થાય છે. જેનો સરકારી તંત્ર દ્વારા લેખિતમાં કરેલો આદેશ રજૂ કરવા છતાં સીટી સર્વે કચેરીના અધિકારીઓ તેને માનવા માટે તૈયાર નથી. તેમજ તે પ્રમાણે કોઈ સુધારો કરવા પણ તત્પર નથી. મિલકતધારકે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆતો બાદ જવાબદાર સત્તાવાળાઓ કલેકટર અને પ્રાંત અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરતા અને તેમણે અરજદાર તરફે ચુકાદો આપવા છતાં જડ બનેલું તંત્ર સુધારો કરવા તૈયાર થતું નથી જેથી અરજદારની હાલત કફોડી બની છે.
અન્ય એક કિસ્સામાં પણ આવો જ ઘાટ
આવી જ સ્થિતિ એસ.જી. હાઇવેની એક ટી.પી. સ્કીમમાં પણ થઈ છે. એક અરજદારે પોતાના પ્લોટની 40 ટકા કપાત આપવાની તૈયારી દર્શાવેલી છે, પરંતુ DILRની માપણીમાં તેમના પ્લોટના ક્ષેત્રફળમાં ફેરફાર આવતા અને પ્લોટની સાઈઝ વધતા TPO અધિકારી તે સ્વીકારવા તૈયાર જ નથી. તેમણે DILR અને સેટલમેન્ટ કમિશનરને આ બાબતે પત્ર લખતા અને તેનો જવાબ પણ હકારાત્મક આવવા છતાં હજુ તેનો નિકાલ આવ્યો નથી. હવે અરજદાર હાલ સરકારી ક્ચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.
મિલકતધારકોની હાલત કફોડી, કોર્ટનું ભારણ વધ્યું
બે કચેરીઓ વચ્ચેની ગૂંચવણ કે જડતામાં અનેક એવા પ્રશ્નો છે જેનું કોઈ નિરાકરણ આવતું નથી, જેથી અરજદારો ના છૂટકે કોર્ટનો આશરો લેવા મજબૂર બન્યા છે. જવાબદાર અધિકારીઓ સામાન્ય પ્રશ્નના નિરાકરણને બદલે તેને વધુ ગુંચવે છે અથવા તો તેમાં લાંબા સમય સુધી ફાઈલોના થપ્પા પડ્યા રાખે છે જેથી ન તો અરજદારનું કોઈ કામ થાય છે, ન તંત્રનું, બસ કોર્ટનું ભારણ વધે છે, અરજદાર હેરાન થાય છે.



