VIDEO : ટ્રમ્પના રાજીનામાંની માંગ : મહિલાની હત્યા મામલે અમેરિકામાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન, ઈમિગ્રેશન મુદ્દે વધ્યો વિવાદ | US : Minnesota Woman Shooting Ice Protest Donald Trump Immigration Policy

![]()
Protest Against Woman’s Murder in America : અમેરિકાની સરકારી એજન્સી ‘ઈમિગ્રેશન અને કસ્ટમ્સ વિભાગ (ICE)’ના અધિકારીએ એક મહિલાની ગોળી મારીને હત્યા કર્યા બાદ વાતાવરણ તંગ બન્યું છે. હત્યા મામલે દેશભરમાં લોકો રસ્તા પર ઉતરી આવીને ઉગ્ર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. દેખાવકારો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના રાજીનામાની માંગ કરી રહ્યા છે. દેખાવકારો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે, ‘ટ્રમ્પે જવું પડશે… અમારા રાજ્યમાંથી ICEએને બહાર કાઢો…’ વિવિધ સૂત્રો લખેલા બેનરો સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
મહિલાની હત્યા પાછળ ટ્રમ્પની નીતિ જવાબદાર
મીડિયા અહેવાલો મુજબ, આઈસીઈના એક અધિકારીએ બુધવારે (7 જાન્યુઆરી) મિનેસોટા રાજ્યની મિનિયાપોલિસ શહેરમાં એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, ત્યારબાદ આખા રાજ્યમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિના કારણે મહિલાની હત્યા થઈ છે.
અધિકારીએ સેન્ટ્રલ ટાઈમ ખાતે ચાર રસ્તા પર 37 વર્ષિય રેની નિકોલ ગુડને ગોળી મારી હતી. તેણી એસયુવીમાં હતી. ટ્રમ્પ અને હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્તી નોએમે મોત મામલે મહિલાને જ જવાબદાર ઠેરવી છે. નોએમે કહ્યું કે, ‘મહિલાએ આઈસીઈ એજન્ટના કામમાં અડચણ ઉભી કરી હતી, જે ઉશ્કેરણી જનક હતી.’
નોએમે મૃતક મહિલાને જવાબદાર ઠેરવી
ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિનું પ્રખર સમર્થન કરતી નોએમે કહ્યું કે, ‘અધિકારીઓએ મહિલાને ગાડીમાંથી બહાર નીકળવા કહ્યું હતું. આ દરમિયાન મહિલાએ વાત ન માની, પછી તેણીએ કારખી અધિકારીને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. એજન્ટે પોતાની આત્મરક્ષા કરવા માટે મહિલા પર ત્રણ ગોળી ચલાવી હતી.’
વ્હાઈટ હાઉસની બેદરકારીના કારણે મહિલાનું મોત : મિનિસોટાના ગર્વનર
મિનિસોટાના ગર્વનર ટિમ વૉલ્ટે વ્હાઈટ હાઉસની બેદરકારીના કારણે મહિલાની મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક શાસિત શહેરોમાં સંઘીય અધિકારીઓ અને સૈનિકોને તહેનાત કર્યા હોવાના કારણે આવી સ્થિતિ ઉભી થઈ છે. વૉલ્ટે વિરોધ કરી રહેલા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.


