અમરેલીમાં નિર્માણાધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tragic Accident in Amreli as Bike Crashes Into Flooded Pit at Under Construction Bridge

![]()
Accident in Amreli: અમરેલીના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજના કામમાં બેદરકારીને કારણે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડાયવર્જન બોર્ડના અભાવે પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતા એક પુરુષનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલા અને બાળકીની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, 40 વર્ષીય આશીફ સેલોત વહેલી સવારે બાઈક પર એક મહિલા અને બાળકીને બેસાડીને લીલીયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રોડ પર ચાલી રહેલા અંડરબ્રિજના કામ પાસે કોઈ પણ પ્રકારનું ડાયવર્જન બોર્ડ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું નહોતું. આ દરમિયાન અંધારામાં ખાડાનો અંદાજ ન આવતા આશીફનું બાઈક સીધું જ અંડરબ્રિજ માટે ખોદવામાં આવેલા અને પાણીથી ભરેલા ઉંડા ખાડામાં ખાબક્યું હતું.
અકસ્માતની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે પાણી ભરેલા ખાડામાં ઉતરીને ભારે જહેમત બાદ ત્રણેયને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશીફ સેલોતનું મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં ભોગ બનેલી મહિલા અને બાળકી હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવા બનતા રોડ અને બ્રિજના કામમાં સલામતીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો યોગ્ય રીતે બેરિકેડિંગ અને ડાયવર્જન બોર્ડ મારવામાં આવ્યા હોત, તો આ માસૂમ યુવાનનો જીવ બચી શક્યો હોત. હાલ અમરેલી પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તંત્ર દ્વારા આ મામલે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



