गुजरात

બિટકોઈન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન | Bitcoin Extortion Case: Gujarat High Court Grants Bail to Former MLA Nalin Kotadiya



Nalin Kotadiya Bitcoin Case:  સુરતના બહુચર્ચિત બિટકોઇન ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં બંધ બીજેપીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે નલિન કોટડિયાની સજા પર સ્ટે મુકીને તેમને રૂ. 50,000ના પર્સનલ બોન્ડ અને એટલી જ રકમના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયા, તત્કાલિન એસપી સહિત કુલ 14 આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરોની સ્પેશિયલ ACB કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં ACB કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી, જોકે આજીવન કેદની સજા સામે અપીલ કરી હતી જે પેન્ડિંગ હોય ત્યારે હાઈકોર્ટે કોટડિયાને શરતી જામીન મંજૂર કર્યા છે.

શું હતો કેસ?

વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઈન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાઈનાન્સ કંપનીમાં કરેલા બિટકોઈન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.

આ કૌભાંડ બહાર આવતા કેસ સીઆઈડી ક્રાઈમને સોંપાયો હતો. સીઆઈડીએ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરાઈ હતી.



Source link

Related Articles

Back to top button