‘KGF’માં ધૂમ મચાવનારા યશનો ‘ટોક્સિક’માં કીલર લૂક: બર્થ ડે પર અપકમિંગ ફિલ્મનો ટીઝર રિલીઝ! | KGF Star Yash Drops Power Packed ‘Toxic’ Teaser on Birthday

![]()
Entertainment News: ‘KGF’ ફેમ રોકી ભાઈ એટલે કે સુપરસ્ટાર યશ પોતાનો જન્મદિવસ (આઠમી જાન્યુઆરી) ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેણે ફેન્સને વર્ષની સૌથી મોટી ભેટ આપી છે. યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic)નું પાવરપેક્ડ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેનો કિલર લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
માફિયા વર્લ્ડનો નવો કિંગ ‘રાયા’
ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના અઢી મિનિટના ટીઝરે ફેન્સમાં રોમાંચ જગાવ્યો છે. ફિલ્મ ‘ટોક્સિક’ના ટીઝરની શરૂઆત એક સ્મશાનભૂમિના દ્રશ્યથી થાય છે, જ્યાં માફિયા ગેંગ કોઈના મૃત્યુનો શોક મનાવી રહી છે. આ દરમિયાન એક રહસ્યમય કારની એન્ટ્રી થાય છે. જેમાં યશ કાળા રંગના ઓવરસાઈઝ કોટમાં, લાંબી દાઢી, સ્ટાઈલિશ હેરસ્ટાઈલ અને હાથમાં સિગાર સાથે જોવા મળે છે.
આ ફિલ્મમાં યશના પાત્રનું નામ ‘રાયા’ છે, જે માફિયા દુનિયાનો માસ્ટરમાઈન્ડ હોવાનું જણાય છે. તેના હાથમાં રહેલી વિશાળ બંદૂક ફિલ્મના હિંસક અને એક્શનથી ભરપૂર હોવાના સંકેત આપે છે.
આ પણ વાંચો: મોહનલાલની દ્રશ્યમ થ્રી અજયની ફિલ્મ કરતાં છ મહિના વહેલી રીલિઝ થશે
ફિલ્મમાં અભિનેત્રીઓનો જમાવડો
‘ટોક્સિક’ ફિલ્મમાં માત્ર યશ જ નહીં, પરંતુ બોલિવૂડ અને સાઉથની ટોચની અભિનેત્રીઓ કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી અને તારા સુતારિયા મહત્ત્વના રોલમાં જોવા મળશે. અહેવાલો મુજબ, આ તમામ અભિનેત્રીઓ અત્યાર સુધીના તેમના કરિયરના સૌથી અલગ અને પાવરફુલ પાત્રોમાં નજર આવશે.
રિલીઝ ડેટની જાહેરાત
ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ‘ટોક્સિક’ આવતા વર્ષે 19 માર્ચ, 2026 ના રોજ ઈદના પવિત્ર તહેવાર પર સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ ટીઝરને ‘નેક્સ્ટ લેવલ’ ગણાવી રહ્યા છે. KGF ના ‘રોકી ભાઈ’ પછી હવે ‘રાયા’ તરીકે યશ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડશે તેવી આશા સેવાઈ રહી છે.



