અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડપાયો, ટ્રસ્ટી ફરાર | ACB Trap in Ahmedabad College: Watchman Caught Taking ₹3 Lakh Bribe Trustee Absconding

![]()
ACB Trap in Ahmedabad College: અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પંકજ વિદ્યાલય કેમ્પસની કોલેજમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન અને જી.પી.એફ.ના નાણાં છૂટા કરવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગનાર ટ્રસ્ટી અને તેના વતી નાણાં સ્વીકારનાર વોચમેનને ACBએ છટકું ગોઠવીને ઝડપી લીધા છે. આ ટ્રેપ દરમિયાન વોચમેન 3 લાખ રૂપિયાની રોકડ સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી ટ્રસ્ટી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, ફરિયાદી એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ ટેકરા ખાતેથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા છે. નિવૃત્તિ બાદ તેમના હકના પેન્શન, GPF અને રજાના રોકડ રૂપાંતરની ફાઈલોમાં સહી કરવાના બદલામાં કોલેજના ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે પૈકી બે લાખ રૂપિયા અગાઉ સ્વીકારી લેવામાં આવ્યા હતા અને બાકીના ત્રણ લાખ રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદને આધારે એસીબી.એ છટકું ગોઠવીને ટ્રસ્ટી તિમિરે આ લાંચની રકમ કોલેજના વોચમેન મુરલીમનોહર રામલાલજી ઝંડોલને આપી દેવા જણાવ્યું હતું.
આ પછી જ્યારે વોચમેને ટ્રસ્ટી વતી ફરિયાદી સાથે વાતચીત કરી ત્રણ લાખ રૂપિયાની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીએ તેને દબોચી લીધો હતો. જોકે, ટ્રેપ અંગે જાણ થતાં મુખ્ય આરોપી ટ્રસ્ટી તિમિર અમીન સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી છે અને બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



