VIDEO: વડોદરામાં ‘કોહલી મેનિયા’: એરપોર્ટ પર વિરાટને જોવા કીડીયારું ઉભરાયું, સુરક્ષાકર્મીઓને પરસેવો છૂટ્યો | Virat Kohli Vadodara airport fans crowd video gujarat

![]()
Virat Kohli in Vadodara: ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું વડોદરામાં આગમન થયું છે. જો કે, એરપોર્ટ પર પોતાના મનપસંદ ક્રિકેટરની એક ઝલક માટે ચાહકો એટલા ઉત્સાહિત થઈ ગયા હતા કે, સ્થિતિ બેકાબૂ થતા રહી ગઈ હતી.
સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી
વિરાટ કોહલી એરપોર્ટની બહાર નીકળતા જ ત્યાં પહેલેથી જ મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકોએ તેને ઘેરી લીધો હતો. ‘કોહલી-કોહલી’ના નારાઓથી આખું એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. ચાહકોએ કોહલી સાથે એક સેલ્ફી અને ઓટોગ્રાફ મેળવવા માટે ભારે હોબાળો કરી મૂક્યો હતો.
આ પણ વાંચો: 8 છગ્ગા, 6 ચોગ્ગા અને 63 બોલમાં સદી… વૈભવ સૂર્યવંશી દ.આફ્રિકાના બોલર્સ પર તૂટી પડ્યો
સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ
આ દરમિયાન સ્થિતિ એવી સર્જાઈ કે વિરાટ કોહલીને તેની કાર સુધી પહોંચાડવામાં સુરક્ષાકર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં, ઘેલા થયેલા ચાહકોના ટોળાને કાબૂમાં રાખવા પોલીસ અને એરપોર્ટ સિક્યુરિટી માટે પડકારજનક બન્યું હતું. છેવટે સુરક્ષા ઘેરા વચ્ચે કોહલીને સુરક્ષિત રીતે તેમની કાર સુધી લઈ જવાયો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે માટે કોહલી વડોદરામાં
ન્યૂઝીલેન્ડ સામેની આગામી વન-ડે સીરિઝ માટે વિરાટ કોહલી વડોદરા પહોંચ્યો છે. એરપોર્ટ પર ચાહકોએ કોહલીને ચારેબાજુથી ઘેરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર ‘કોહલી મેનિયા’ના આ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચોને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોહલીના આગમન બાદ તો આ ઉત્સાહ બમણો થઈ ગયો છે.
આ પણ વાંચો: ‘દુશ્મનનો દુશ્મન દોસ્ત’ કહેવત સાચી ઠરી! પાકિસ્તાને બાંગ્લાદેશી મુસ્તફિઝુરને કરી મોટી ઓફર



