गुजरात

અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ‘સારથી’ હેલ્પલાઇન શરૂ, માત્ર એક મેસેજ પર મળશે મૂંઝવણનો ઉકેલ | Ahmedabad DEO Launches ‘Saarthi’ Helpline to Resolve Board Students’ Queries via WhatsApp



Board Students Helpline: અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા અને મૂંઝવણ દૂર કરવા માટે સતત ચોથા વર્ષે સારથી હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન માટે ખાસ ‘9909922648’ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે રીતે મહાભારતમાં અર્જુનને શ્રીકૃષ્ણનો સાથ મળ્યો હતો, તેમ પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવાના હેતુથી આ સેવાનું નામ ‘સારથી’ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ માત્ર આ નંબર પર પોતાનો પ્રશ્ન મેસેજ કરવાનો રહેશે, ત્યારબાદ કચેરીની ટીમ ગણતરીના કલાકોમાં તેનો ઉકેલ લાવવા સક્રિય થશે.

નિષ્ણાતોની એક ખાસ ટીમ તૈયાર

વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કોઈ ખાસ વિષય, દાખલા કે થીયરીમાં મુશ્કેલી હોય તો તેઓ આ હેલ્પલાઇનનો સહારો લઈ શકશે. DEO કચેરી દ્વારા વિષય નિષ્ણાતોની એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. જ્યારે કોઈ વિદ્યાર્થી વિષયલક્ષી પ્રશ્ન વોટ્સએપ પર મોકલે છે, ત્યારે તે મેસેજ સંબંધિત વિષયના એક્સપર્ટને ફોરવર્ડ કરવામાં આવે છે. ત્યારબાદ આ એક્સપર્ટ સામેથી વિદ્યાર્થીનો સંપર્ક કરે છે અને જ્યાં સુધી વિદ્યાર્થીને પ્રશ્ન પૂરેપૂરો સમજાઈ ન જાય ત્યાં સુધી તેની સાથે વાતચીત કરીને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન પૂરું પાડે છે.

આ પણ વાંચો: અમદાવાદની 1800 શાળાઓના 5 લાખ વિદ્યાર્થીઓએ લીધા શપથ, ‘ચાઈનીઝ દોરીને ના, પક્ષી બચાવવાને હા’

આ સેવાનો ઉદ્દેશ્ય શું છે?

પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓમાં જોવા મળતા તણાવ અને ડરને દૂર કરવા માટે આ વખતે 60 જેટલા સાયકોલોજિસ્ટની ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. ખાસ કરીને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માનસિક દબાણ હેઠળ કોઈ ખોટું પગલું ન ભરે તે માટે આ ટીમ સતત કાર્યરત રહેશે. જે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગતો હોય અથવા આત્મવિશ્વાસની કમી અનુભવાતી હોય, તેઓ મેસેજ કરશે એટલે મનોચિકિત્સકો તેમને સામેથી ફોન કરીને કાઉન્સેલિંગ કરશે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે તૈયાર કરવાનો છે.



Source link

Related Articles

Back to top button