10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ : ADR રિપોર્ટ | ADR Report Property of Gujarat MPs Poonam Madam Vinod Chavda C R Patil

Gujarat MP ADR Report: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટ મુજબ દ્વારા 2014 થી 2024 વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ 103 સાંસદોમાંથી 102 સાંસદોના વખતો વખત ફાઇલ કરેલ સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2014માં આ સાંસદોની સરેરાશ મિલકત 15.76 કરોડ હતી, જે 2024માં વધીને 33.13 કરોડ થઈ છે. જો કે, ગુજરાતના રિપીટ 7 સાંસદોની વાત કરીએ તો જામનગરના સાંસદ પૂનમ માડમની મિલકતમાં 130 કરોડનો (747%) વધારો થયો છે, પરંતુ નવસારીના સાંસદ સી.આર. પાટીલની સંપત્તિમાં 34 કરોડનો (47%) ઘટાડો નોંધાયો છે.
સરેરાશ 110%નો વધારો
છેલ્લા 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં 17.36 કરોડનો વધારો થયો છે. 2014માં આ મિલકત 15.76 કરોડ હતી જ્યારે 2024ના ચૂંટણી વખતે રજૂ કરેલ સોગંદનામા અનુસાર સાંસદોની સરેરાશ મિલકત 33.13 કરોડ જેટલી છે. ટકાવારીમાં જોઈએ તો આ વધારો 110% જેટલો થાય છે.
બીજા ક્રમે પૂનમ માડમ
છેલ્લી બે ટર્મ (2014-2019 અને 2019-2024) મુજબ દેશના જે સાંસદોની મિલકતમાં ધરખમ વધારો થયો છે તેવા 10 સાંસદોમાંથી મહારાષ્ટ્રના સતારા લોકસભા ક્ષેત્રના સાસંદ ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલે છે. તેમની મિલકત 2014માં 60 કરોડથી વધીને 2024માં 162 કરોડ થઈ છે. તેમાં 268%નો વધારો થયો છે, બીજા ક્રમે ગુજરાતના જામનગરના સાંસદ પૂનમબેન માડમ છે. 2014માં તેમની મિલકત 17 કરોડ દર્શાવેલ હતી જે 2024માં વધીને (સોગંદનામા અનુસાર) 147 કરોડ થઈ છે. એટલે તેમાં 130 કરોડનો તોતિંગ વધારો થયો છે. તમામ વિગતો ADR દ્વારા 2014, 2019 અને 2024ના સોગંદનામા પરથી લીધી છે.
સાંસદોની મિલકતમાં વધારો (2014 – 2024), 10 વર્ષમાં કેટલો વધારો-ઘટાડો?
– પૂનમબેન હેમંતભાઈ માડમ (જામનગર): તેમની મિલકત 2014 માં ₹17 કરોડથી વધીને 2024 માં આશરે ₹147 કરોડ થઈ છે. તેમાં 10 વર્ષમાં 747% નો વધારો જોવા મળ્યો છે.
– વિનોદભાઈ લખાભાઈ ચાવડા (કચ્છ): તેમની મિલકતમાં સૌથી મોટો ટકાવારી ફેરફાર જોવા મળ્યો છે. 2014 માં ₹56 લાખથી વધીને 2024માં મિલકત ₹7 કરોડ થી વધુ થઈ છે, જે 1163% નો વધારો થયો
– પ્રભુભાઈ નાગરભાઈ વસાવા (બારડોલી): 2014 માં ₹1 કરોડથી વધુ મિલકત હતી, જે 2024 માં વધીને આશરે ₹4.70 કરોડ થઈ છે. કુલ વધારો 195% રહ્યો
– જસવંતસિંહ સુમનભાઈ ભાભોર (દાહોદ): તેમની મિલકત 2014 માં ₹1.96 કરોડ હતી, જે 2024 માં વધીને ₹4.84 કરોડ થઈ છે. આ 10 વર્ષમાં 146% નો વધારો છે.
– રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા (જૂનાગઢ): 2014 માં તેમની પાસે ₹74 લાખથી વધુની મિલકત હતી, જે 2024 માં વધીને ₹3.34 કરોડથી વધુ થઈ છે. તેમાં 349%નો વધારો થયો
– દેવુસિંહ ચૌહાણ (ખેડા) ): 2014 માં તેમની પાસે ₹94 લાખથી વધુની મિલકત હતી, જે 2024 માં વધીને ₹3.49 કરોડથી વધુ થઈ, તેમાં 271%નો વધારો થયો
– સી. આર. પાટીલ (નવસારી): 2014માં તેમની પાસે ₹74 કરોડથી વધુની મિલકત હતી, જે 2024માં ઘટીને ₹39 કરોડ થઈ, તેમની સંપત્તિમાં 47%નો ઘટાડો જોવા મળ્યો
ગુજરાતના 7 રિપીટ (ફરીથી ચૂંટાયેલા) સાંસદોની 2014 થી 2024 દરમિયાન એટલે છેલ્લી બે ટર્મની મિલકતમાં થયેલા ફેરફારની વિગતો છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે:
સાંસદોની મિલકતમાં વધારો/ઘટાડો (2014-2024)

મહત્ત્વનું વિશ્લેષણ
સૌથી વધુ ટકાવારી વધારો: કચ્છના સાંસદ વિનોદ લખાભાઈ ચાવડાની મિલકતમાં સૌથી વધુ 1163% નો વધારો થયો છે. (2014માં 56 લાખ, 2024માં 7 કરોડ)
સૌથી વધુ રકમનો વધારો: જામનગરના સાંસદ પૂનમબેન માડમની મિલકત ₹17 કરોડથી વધીને ₹147 કરોડ (આશરે ₹130 કરોડનો વધારો) થઈ છે.
મિલકતમાં ઘટાડો: છેલ્લી બે ટર્મમાં 7 રિપીટ થયેલા સાંસદોમાંથી માત્ર સી. આર. પાટીલ (સાંસદ નવસારી)ની મિલકતમાં 47% નો ઘટાડો જોવા મળ્યો છે, જે ₹74 કરોડથી ઘટીને ₹39 કરોડ થઈ છે.



