નડિયાદમાં વરસાદી પાણીના નિકાલ માટે 68 કરોડના ખર્ચે નવી સ્લેબ ડ્રેનેજ મંજૂર | New slab drainage approved at a cost of Rs 68 crore for rainwater drainage in Nadiad

![]()
– નગરજનોને પાણી ભરાઈ જવાથી સર્જાતી સમસ્યાથી છૂટકારો મળશે
– સરદાર ભુવન કોમ્પ્લેક્સ તોડી પાડયા બાદ તપાસમાં 14 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો કાંસ ચોકઅપ થયાનું સામે આવ્યું
નડિયાદ : નડિયાદ શહેરના મધ્યમાં આવેલા અને વર્ષોથી જર્જરિત બનેલા સરદાર ભુવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો તોડી પાડયા બાદ હવે શહેરના વરસાદી પાણીના નિકાલ માટેના મુખ્ય કાંસને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારે કાટમાળ હટાવીને સરદાર પ્રતિમા પાસેનો માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયા બાદ મનપાના અધિકારીઓએ ટેકનિકલ ટીમ સાથે સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ૧૪ ફૂટ પહોળો અને ૮ ફૂટ ઊંડો કાંસ કચરા અને માટીથી સંપૂર્ણ ભરાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
નડિયાદ શહેરના ભૌગોલિક માળખા મુજબ, પૂર્વ ભાગના વરસાદી પાણીના નિકાલ માટે આ સૌથી મહત્વનો કાંસ છે. આ કાંસ પારસ સર્કલ, સંતરામ મંદિર અને બસ સ્ટેન્ડ થઈને સરદાર પ્રતિમા પાસેથી પસાર થાય છે. વર્ષ ૧૯૬૧-૬૨માં આ કાંસ ઉપર જ સરદાર ભુવન કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના કારણે લાંબા સમય સુધી તેની યોગ્ય સફાઈ થઈ શકી ન હતી. અગાઉ દુકાનોના તળિયે બ્લોક બનાવીને સફાઈના પ્રયાસો થયા હતા પરંતુ ભારે મશીનરીના અભાવે તે સફળ રહ્યાં ન હતા. હવે દુકાનો દૂર થતા તંત્ર દ્વારા કાંસના ઉપરના સ્લેબ તોડીને તેને ખુલ્લો કરી સફાઈ કરવાનો નિર્ણય લેવાયો છે. કાંસમાં કચરો જમા થવાના કારણે માત્ર ૧.૫ ફૂટ જેટલી જગ્યામાંથી જ પાણી પસાર થતું હોવાનું મજૂરોની ચકાસણીમાં બહાર આવ્યું છે. આ અવરોધને કારણે સામાન્ય વરસાદમાં પણ દેસાઈ વગો, જૂના માખણપુરા, વી.કે.વી. રોડ અને સંતરામ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા. આ વિસ્તારોમાં મોટી હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. કાંસ સંપૂર્ણ સાફ થવાથી પાણીનો નિકાલ ઝડપી બનશે.
વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ૬૮ કરોડ રૂપિયાના ખર્ચે નવી સ્લેબ ડ્રેનેજ મંજૂર કરવામાં આવી છે. આ કાંસ શહેરનું તમામ પાણી લઈને આગળ કમળા ગામ થઈને શેઢી નદીમાં મળે છે. આગામી ચોમાસામાં કાંસ ખુલ્લો થયા બાદ આગળના ભાગમાં ક્યાં અવરોધો છે તેની સ્થિતિ સ્પષ્ટ થશે, જેનાથી ભવિષ્યમાં સમગ્ર નિકાલ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરી શકાશે.



