गुजरात

અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી, આ રકમ પોલીસના પગાર કરતા વધુ | Ahmedabad Traffic Fines Reach ₹413 Crore: Penalty Collection Exceeds Police Salary Budget


₹413 Crore Traffic Fine: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નાગરિકો પાસેથી બે વર્ષમાં કુલ 413 કરોડ રૂપિયા દંડપેટે વસુલવામાં આવ્યાં છે. આટલો અધધધ દંડ વસુલનાર પોલીસ કર્મચારીઓને ચૂકવાતાં પગાર કરતાં વધુ એટલે કે 413 કરોડની આવક સરકારી તિજોરીમાં થઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા વસુલવામાં આવતી દંડની આ રકમ સરકારમાં જમા થાય છે અને ટ્રાફિક સંદર્ભે સુવિધા, જનજાગૃતિ અને અકસ્માતો ઘટાડવા કાર્યવાહી કરવા માટે ગ્રાન્ટ સ્વરૂપે પરત આપવામાં આવતાં હોય છે. પણ, કમનસીબી એ છે કે, અમદાવાદમાં ટ્રાફિક દંડપેટે વસુલાયેલા અબજો રૂપિયા પડી રહ્યાં છે પણ સરકારમાંથી પરત આવવામાં વર્ષો વિતી જાય છે. 

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સંખ્યા મંજુર મહેકમ કરતાં ઓછી છે છતાં વર્ષ 2024ની સરખામણીએ દંડ વસુલાતમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2024માં અમદાવાદ ટ્રાફિક પોલીસે 21.15 લાખ વાહનચાલકો પાસેથી 151 કરોડ દંડ વસુલ્યો હતો. તો, વર્ષ 2025માં 40 લાખ વાહનચાલકો પાસેથી 262 કરોડની તોસ્તાન દંડ વસુલાત કરવામાં આવી છે. બે વર્ષમાં કુલ 413 કરોડની દંડ વસુલાત કરાઈ છે ત્યારે લોકોમાં એવી ચર્ચા છે કે, પોલીસને ચૂકવાતાં પગાર કરતાં સરકારને દંડની આવક વધુ છે.  

રસ્તા ઉપર પોલીસ કર્મચારીઓને ઉભા રાખીને સામાન્ય લોકો પાસે આડેધડ દંડની વસુલાત કરવામાં આવે છે. પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય તે રીતે આકરી દંડ વસુલાતના આદેશ કરવામાં આવે છે. બે વર્ષમાં 413 કરોડની દંડની આવક થઈ છે તે આ કામગીરી કરતાં પોલીસ કર્મચારીઓના પગાર કરતાં અચૂકપણે અનેકગણી વધારે હશે.  એકંદર, રસ્તા ઉપર ઓછી પોલીસ દેખાતી હોવા છતાં ટ્રાફિક પોલીસે ગત વર્ષ કરતાં દંડપેટે 111 કરોડ વધુની કમાણી સરકારને કરી આપી છે.રસ્તાઓ ઉપર વાહન ચલાવવામાં નિયમોના ભંગ બદલ પ્રતિવર્ષ અબજો રૂપિયા વસુલવામાં આવે છે તે રકમ સીધી જ ગુજરાત સરકારમાં જમા થઈ જાય છે. 

અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી, આ રકમ પોલીસના પગાર કરતા વધુ 2 - image

આ પૈસા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક કમિટીને જુદા – જુદા હેડમાં પરત ફાળવે છે. પ્રજા પાસેથી વસુલેલા દંડના પૈસાથી રોડ એન્જિનિયરીંગ ઉપરાંત રસ્તાઓ ઉપર ઝીબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ, જનજાગૃતિ તેમજ ટ્રાફિક નિયમન માટે જરૂરી સાધનોની ખરીદી કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન ટ્રાફિક દંડપેટે વસુલવામાં આવેલા પૈસા ગ્રાન્ટ સ્વરૂપે અમદાવાદ મ્યુનિ. કે  અમદાવાદ પોલીસને પરત મળ્યાં નથી તેમ સુત્રો કહે છે.

અમદાવાદ મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું કે, શહેરના રસ્તાઓ ઉપર અકસ્માતો ઘટાડવા અને વાહનોની ગતિ મર્યાદા માટે બમ્પ ઝીબ્રા ક્રોસિંગ અને સ્ટ્રીપ્સ બનાવવા ઉપરાંત ચાર રસ્તાઓ ટ્રાફિક સિગ્નલ્સ લગાવવાની કામગીરી માટે ટ્રાફિક દંડની રકમમાંથી પચ્ચીસ ટકા શેરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને અપાય છે. પણ, વર્ષ 2022-23થી અમદાવાદ મ્યુનિ.ને રેવન્યૂ શેરિંગ મળ્યું નથી. ટ્રાફિક દંડની ગ્રાન્ટરૂપે પરત મળતી રકમમાંથી અમદાવાદ ટ્રાફિક પોલીસ સાધનોની ખરીદી અને જનજાગૃતિ કેળવવા સહિતના આયોજનો કરે છે. પણ, ગુજરાત સરકારમાંથી ગ્રાન્ટ પરત ન થવા અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના સૂત્રો મૌન સેવી રહ્યાં છે. સરવાળે, પોલીસે દંડરૂપે વસુલેલા અબજો રૂપિયા જનહિતાર્થે પરત કરવામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી હોવાની છાપ ઘેરી બની રહી છે.

ઠંડી વધતાં લોકો સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવા લાગ્યા ! 

વર્ષ 2025ની વિદાય થઈ તે સાથે જ ઠંડીનો દોર શરૂ થયો છે. સામાન્યતઃ ડીસેમ્બર મહિનાથી ઠંડીનું પ્રમાણ વધે છે તે સાથે જ અમદાવાદમાં હેલમેટ પહેરવાનું પ્રમાણ વધવા લાગે છે. ચાલુ વર્ષે ઠંડી મોડી શરૂ થઈ છે તેમ છતાં ઠંડીના ડરના કારણે લોકો હેલમેટ પહેરવા લાગતાં ડીસેમ્બર મહિનામાં હેલમેટ નહીં પહેરવા બદલ પોલીસ દ્વારા વસુલાતા દંડના કિસ્સા ઘટ્યા છે.

વર્ષ 2024ની સરખામણીએ 1.18 લાખ ઓછા કેસ સાથે ડીસેમ્બર-2025માં હેલમેટ વગરના 1.68 લાખ લોકો પાસેથી 8.43 કરોડનો દંડ વસુલાયો હતો જે વર્ષ 2024 કરતાં 5.90 કરોડ રૂપિયા ઓછો રહેવા પામ્યો હતો. પોલીસની કડક કાર્યવાહી વચ્ચે ઠંડી વધતાં જ લોકો હેલમેટ પહેરવા લાગતાં ડિસેમ્બર મહિનામાં હેલમેટના કેસ ઘટ્યા છે. જો કે, પોલીસના મતે ટુ વ્હીલરચાલકોમાં જાગૃતિ  કેળવાતાં હેલમેટ પહેરવાનું પ્રમાણ વઘ્યું છે. 



Source link

Related Articles

Back to top button