ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યાં, શિંદે જોતા જ રહી ગયા, BMCની ચૂંટણીમાં ‘અણધાર્યું ગઠબંધન’ | bjp congress alliance in maharashtra ambernath municipality to keep eknath shinde out of power

Congress-BJP Alliance in Ambernath: મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં એક નવા અને આશ્ચર્યજનક પ્રકરણની શરૂઆત થઈ છે. ‘કોંગ્રેસ-મુક્ત ભારત’નો નારો આપનારી ભારતીય જનતા પાર્ટીએ થાણે જિલ્લાની અંબરનાથ નગર પરિષદમાં સત્તા મેળવવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. આ નવા ગઠબંધનનો મુખ્ય હેતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાને સત્તાથી દૂર રાખવાનો છે. આ ગઠબંધનમાં અજિત પવારની એનસીપી(NCP) પણ સામેલ થઈ છે, જેના કારણે હવે શિવસેનાએ વિપક્ષની બેંચ પર બેસવાનો વારો આવ્યો છે. આ અણધાર્યા સમીકરણને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
અંબરનાથમાં મોટો ઉલટફેર: ભાજપ-કોંગ્રેસ વચ્ચે અણધાર્યું ગઠબંધન
અંબરનાથ નગર પરિષદમાં ભાજપે કોંગ્રેસ અને અજિત પવાર જૂથ સાથે મળીને ‘અંબરનાથ વિકાસ અઘાડી’ નામનું નવું ગઠબંધન રચ્યું છે. કુલ 32 કાઉન્સિલરોના ટેકા સાથે ભાજપ બહુમતી તરફ વધી રહ્યું છે, જેમાં ભાજપના 14, કોંગ્રેસના 12 અને એનસીપીના 4 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. આ ગઠબંધનના જોરે જ ભાજપના તેજશ્રી કરંજુલ અંબરનાથ નગર પરિષદના મેયર પદે વિજયી બન્યા છે. શિવસેના(શિંદે જૂથ) એ આ જોડાણને ‘અભદ્ર ગઠબંધન’ ગણાવ્યું છે અને ભાજપ પર પીઠમાં છરો ભોંકવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપ પર બેવડા વલણનો આરોપ: ‘કોંગ્રેસ-મુક્ત ભારત’ના નારા પર ઉઠ્યા સવાલ
આ ઘટનાક્રમથી શિંદે જૂથના ધારાસભ્ય ડૉ. બાલાજી કિનીકર અને સાંસદ શ્રીકાંત શિંદેએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. કિનીકરે ભાજપના બેવડા વલણ પર પ્રહારો કરતા કહ્યું કે, ‘એક તરફ ભાજપ કોંગ્રેસ-મુક્ત ભારતની વાત કરે છે અને બીજી તરફ સત્તા માટે તેમની સાથે જ ગઠબંધન કરે છે. જોકે, ભાજપના ઉપાધ્યક્ષ ગુલાબરાવ કરંજુલ પાટીલે આક્ષેપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો હતો કે શિંદે જૂથ છેલ્લા 25 વર્ષથી ભ્રષ્ટાચારમાં ડૂબેલું હતું અને અનેકવાર ચર્ચા કરવા છતાં તેમના તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો, તેથી આ નિર્ણય લેવો પડ્યો છે.’
આ પણ વાંચો: કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા
શિવસેનાના કડક વલણથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
શ્રીકાંત શિંદેએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ ગઠબંધન અંગેનો જવાબ ભાજપે જ આપવો જોઈએ.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘શિવસેના અને ભાજપનું ગઠબંધન કેન્દ્ર અને રાજ્યમાં અતૂટ રહેવું જોઈએ, પરંતુ અંબરનાથમાં થયેલા આ નવા ખેલથી ‘મહાયુતિ’ (ગઠબંધન) માં તિરાડ પડવાની શક્યતાઓ વધી ગઈ છે. આગામી સમયમાં આ રાજકીય ખેંચતાણ વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે.’




