અમદાવાદમાં ગટર કામ દરમિયાન દુર્ઘટના: માટી ધસી પડતા મજૂર દટાયો, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ | New Maninagar Tragedy:FIR Against Contractor After Laborer Buried in Sewer Line Collapse

![]()
Ahmedabad Sewer Line Collapse: અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ગટર લાઇનના ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં એક શ્રમિક દટાઈ જવાની ગંભીર ઘટના બની છે. આ ઘટનાથી કોન્ટ્રાક્ટર તેમજ તંત્રની ભારે બેદરકારી સામે આવી છે. ઘટનાના પગલે વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ગટર લાઇન માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન શ્રમિકોને કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા નહોતા. હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ જેવી મૂળભૂત વ્યવસ્થાઓના અભાવે આ દુર્ઘટના ઘટી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. એટલું જ નહીં, કામની જગ્યાએ કોઈ જવાબદાર સાઇટ એન્જિનિયર હાજર ન હોવા ઉપરાંત ખોદાણ વિસ્તાર આસપાસ બેરિકેડિંગ પણ ન કરવામાં આવતા સામાન્ય નાગરિકો માટે પણ મોટું જોખમ ઊભું થયું હતું.
આ ઘટના બાદ સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે તાત્કાલિક સાપરાધ માનવ વધનો ગુનો નોંધવો જોઈએ. સાથે જ જવાબદાર સરકારી અધિકારીઓને ફરજમુક્ત કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની પણ એકસૂરે માંગ કરવામાં આવી રહી છે.

