હુમલામાં વેનેઝુએલાએ ગુમાવ્યા 24 સૈન્ય અધિકારી, અમેરિકા સામે યુદ્ધ અપરાધનો આરોપ મૂક્યો | Venezuela loses 24 military officers in attack accuses US of war crimes

![]()
USA Attack on Venezuela : વેનેઝુએલાની સેનાએ જાહેરાત કરી છે કે શનિવારે થયેલા અમેરિકાના સૈન્ય ઓપરેશનમાં વેનેઝુએલાના ઓછામાં ઓછા 24 સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા છે. આ હુમલામાં અનેક નાગરિકોના પણ મોત થયા હોવાની આશંકા છે, પરંતુ તેમની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી. આ ઘટના બાદ વેનેઝુએલાના એટર્ની જનરલે આ હુમલાને “યુદ્ધ અપરાધ” ગણાવ્યો છે અને તપાસના આદેશ આપ્યા છે.
આ દરમિયાન, ક્યુબાની સરકારે પણ રવિવારે જાહેરાત કરી હતી કે વેનેઝુએલામાં કાર્યરત ક્યુબાના 32 સૈન્ય અને પોલીસ અધિકારીઓ પણ આ ઓપરેશનમાં માર્યા ગયા હતા, જેના પગલે ક્યુબામાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.
અમેરિકન ઓપરેશન અને તેની વિગતો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર આ ઓપરેશન શનિવારે રાત્રે કારાકાસમાં પ્રમુખ માદુરોનાં ફોર્ટ ટિયુના સ્થિત નિવાસસ્થાન પર કરવામાં આવ્યું હતું. 150થી વધુ અમેરિકી વિમાનો, હેલિકોપ્ટરો અને ડેલ્ટા ફોર્સની મદદથી એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરીને માદુરો અને તેમના પત્નીને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની પર નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ તસ્કરીના આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવશે. પ્રમુખ ટ્રમ્પે આને “અદ્ભુત સૈન્ય ઉપલબ્ધિ” ગણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકા હવે વેનેઝુએલાને “ચલાવશે” અને તેના તેલ સંસાધનોનું પુનઃનિર્માણ કરશે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને વધતો તણાવ
આ ઘટના લેટિન અમેરિકામાં તણાવ વધારી રહી છે, જ્યાં ઘણા દેશો તેને “સામ્રાજ્યવાદની વાપસી” ગણાવી રહ્યા છે. વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે આને “સાર્વભૌમત્વનું ઉલ્લંઘન” ગણાવ્યું અને માદુરોની મુક્તિની માંગ કરી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા અને ચીને અમેરિકી કાર્યવાહીની સખત નિંદા કરી છે, જ્યારે અમેરિકાના કેટલાક સહયોગી દેશોએ આ મુદ્દે મૌન સેવ્યું છે. વેનેઝુએલામાં હાલ શાંતિ છે, પરંતુ સૈન્ય સતર્કતા વધારી દેવામાં આવી છે.



