કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find internship in commerce faculty of msu

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયબીકોમ, ઓનર્સના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ માટે કંપનીઓ ઓછી પડી રહી હોવાની ચર્ચા વિદ્યાર્થી આલમમાં છે.જેના કારણે હવે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને તેમના મેન્ટર્સ દ્વારા શક્ય હોય તો જાતે ઈન્ટર્નશિપ કરવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે.
કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ટીવાયના ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તો જાતે ઈન્ટર્નશિપ શોધી જ લીધી છે.આમ છતા બાકીના વિદ્યાર્થીઓ માટે પણ કંપનીઓ ઓછી પડી રહી હોય તેવો ઘાટ છે.બીજી તરફ ઈન્ટર્નશિપ માટે જે કંપનીઓએ તૈયારી બતાવી છે તે કંપનીઓ દ્વારા પહેલા ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે.આજે આવી જ એક કંપની દ્વારા પાંચ વાગ્યે ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને તેના એક કલાક પહેલા જ જાણ કરવામાં આવી હતી.જેના કારણે વિદ્યાર્થીઓને દોડધામ કરવી પડી હતી.
૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ટીવાયમાં અભ્યાસ કરતા હોવાના કારણે ફેકલ્ટી સત્તાધીશો માટે ઈન્ટર્નશિપ કરાવવાની કામગીરી પડકારજનક બની રહી છે.



