રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

![]()
છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઇમેઇલ આવ્યો
પોલીસે ત્રણ કલાકથી વધુ કોર્ટનો ખૂણેખૂણો ચેક કર્યો, ઇમેઇલ કરનારને પકડવામાં પોલીસ નિષ્ફળ
રાજકોટ: રાજકોટના જામનગર રોડ પર બનેલી નવી કોર્ટને આરડીએક્સથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળતાં એસઓજી, ક્રાઇમ બ્રાંચ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્યુઆરટી અને ગાંધીગ્રામ-૨ પોલીસની ટીમ અને અધિકારીઓ ધસી ગયા હતાં. તત્કાળ વકીલો, અસીલો અને જ્યુડીશીયલ ઓફિસરોને સલામત રીતે બહાર મોકલી દીધા બાદ કોર્ટના ખૂણેખૂણાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ધારણા મુજબ જ ધમકી પોકળ પૂરવાર થઇ હતી. છએક માસ પહેલા પણ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની આ જ રીતે ઇમેઇલ દ્વારા ધમકી મળી હતી. રાજ્યની અન્ય કોર્ટોને પણ આ રીતે જ ધમકી મળ્યાનું બહાર આવ્યું છે.
રાજકોટ કોર્ટના સત્તાવાર ઇમેઇલ આઇડી ઉપર મળેલા ઇમેઇલમાં જણાવાયું હતું કે જેટકો, જીઈઓના તામિલનાડુમાં પ્રદર્શનને કારણે ડીએમકે કોર્ટમાં ચાલતા સ્થાનિક મુદ્દાઓ ઉપરથી ધ્યાન હટાવવા માગે છે. જેને કારણે અગાઉના એલટીટીઇના મેમ્બરે કાશ્મીરના આઈએસકેપીના મેમ્બર સાથે મળી તમારી કોર્ટોને નિશાન બનાવવાનું નક્કી કર્યું છે.
જેના પગલે ત્રણ આરડીએક્સ-આઈઇડી કોર્ટ બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યા છે. એકથી બે સભ્યો આવીને કોર્ટ બિલ્ડિંગ નજીકથી રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરશે. જો કોઇ કારણસર વિસ્ફોટકો એક્ટિવ નહીં થાય તો આ સભ્યો અંદર જઇ બ્લાસ્ટ કરશે. ઇમેઇલ ઉપર મોહમ્મદ વિક્રમ રાજ્યગુરૂ જ્યારે ઇમેઇલ નીચે મોહમ્મદ અસ્લમ વિક્રમ (તામિલ લિબરેશન મૂવમેન્ટ-ટીએલઓ) લખેલુ છે.
સવારે ૧૧ વાગ્યાથી પોલીસે કોર્ટમાં જઇ મોરચો સંભાળી લીધો હતો. ત્રણેક કલાક સુધી કોર્ટનો ખૂણેખૂણો ચકાસી લીધા બાદ ધમકી પોકળ પૂરવાર થઇ હતી. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને કારણે કોર્ટની કાર્યવાહી થોડાક કલાકો માટે પ્રભાવિત થઇ હતી.
ગત જૂન માસમાં પણ રાજકોટ કોર્ટને આ જ રીતે બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. જેમાં પણ તપાસના અંતે કાંઇ મળ્યું ન હતું. ગંભીર બાબત એ છે કે આ ઇમેઇલ કરનારને આજ સુધી પોલીસ પકડી શકી નથી. હવે નવા આવેલો ઇમેઇલ કોણે કર્યો તે દિશામાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે.
– કોર્ટમાંથી ડ્રોન મળી આવતાં થોડો સમય દોડધામ મચી
રાજકોટ: તપાસ દરમિયાન કોર્ટમાંથી પોલીસને એક ડ્રોન મળી આવતાં દોડધામ મચી ગઇ હતી. તપાસના અંતે આ ડ્રોન મહેસાણાના વકીલનું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં આ વકીલે સરદારનગર પરના શો-રૂમમાંથી બાળકો માટે રમકડાનું આ ડ્રોન ખરીદ્યાનું ખુલ્યું હતું.



