गुजरात

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike rickshaw near Talala: Three including uncle and nephew die



માધુપુર ગીર-સુરવા ગીર વચ્ચે ટ્રિપલ અકસ્માત

જાવંત્રી ગીરના કાકા-ભત્રીજા તાલાલાથી લગ્નની ખરીદી કરીને પરત જતા હતા, રિક્ષાચાલકને કાળ આંબ્યો, પત્ની-પુત્ર ઘાયલ

તાલાલા ગીર: તાલાલાથી દશ કિ.મી દુર માધુપુર ગીર-સુરવા ગીર ગામ વચ્ચે હનુમાનજી મંદિર પાસે આજે બપોરે બે વાગ્યા આસપાસ માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકની અડફેટે છકડો રિક્ષા અને બાઈકનો બુકડો બોલી ગયો હતો. જે ભયાનક ત્રિપલ અકસ્માતમાં જાવંત્રી ગીર ગામના કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે માતા-પુત્રને ઈજા પહોંચી હતી. જે ગોજારા અકસ્માતના પગલે ગીર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

વિગત પ્રમાણે, તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામના કાકા-ભત્રીજા પ્રભુદાસભાઈ ધીરૂભાઈ વાડોદરિયા તથા દિક્ષિત દિલીપભાઈ વાડોદરીયા બપોરે બે વાગ્યા આસપાસ તાલાલા ગીરથી લગ્ન માટેની ખરીદી કરીને બાઈક પર પોતાના ગામે જતા હતા ત્યારે સુરવા ગીર ગામ તરફથી લીલા નાળિયેર ભરી છકડો રીક્ષા આવતી હતી. એ દરમિયાન એકાએક બેફામ પૂરઝડપે આવતી આઈસર ટ્રકના ડ્રાઈવરે બાઈક અને રીક્ષાને જોરદાર ઠોકર મારી દીધી હતી. જેથી બંને વાહનચાલકો રોડથી દૂર ફેંકાઈ ગયા હતા. સુરવા ગામના યુવાનો તથા આજુબાજુમાંથી એકત્ર થયેલા ખેડૂતોએ પાંચેય ઈજાગ્રસ્તોને તુરંત તાલાલા હોસ્પિટલે પહોંચાડયા હતા. 

ગોજારા અકસ્માતમાં જાવંત્રી ગીર ગામના પ્રભુદાસભાઈ ધીરૂભાઈ વાડોદરિયા (ઉ.વ.૩૮) અને દિક્ષીતભાઈ દિલીપભાઈ વાડોદરીયા (ઉ.વ.૩૦) તથા તાલાલાના નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષાચાલક કિશોરભાઈ હરિભાઈ મારડિયા (ઉ.વ.૪૫)ને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યા હતા. જ્યારે રીક્ષાચાલક કિશોરભાઈના પત્ની લક્ષ્મીબેન (ઉ.વ.૩૫)ને ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે વેરાવળ રિફર કર્યા હતા.  આ અકસ્માતમાં તેમના પુત્ર યશવંત (ઉ.વ.૧૯)ને પણ ઈજા થઈ હતી. ગંભીર અકસ્માત બાદ તાલાલાનો ટ્રકચાલક ભાગી છુટયો હતો. આ બનાવ અંગે પોલીસ બનાવનાં સ્થળે દોડી જઈ પંચનામું કરી ઇન્ચાર્જ પીઆઈ એ.બી. ગોહીલે ભાગી છુટેલા ટ્રકચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી. 

– હતભાગી દિક્ષીતનાં આવતા ફેબુ્રઆરી માસમાં લગ્ન હતા

તાલાલા નજીક અકસ્માતમાં મૃત્યુ પામનાર દિક્ષીત વાડોદરીયા રાજકોટ જી.ઈ.બી.માં કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો. તેની સગાઈ મંડોરણા ગીર ગામે થઈ હતી અને આવતા મહિને તા.૨/૨/૨૦૨૬ નાં રોજ તેમના લગ્ન હતાં. લગ્નની ખરીદી કરવા માટે જ કાકા-ભત્રીજા તાલાલા આવ્યા હતા અને ખરીદી કરી બાઈક ઉપર જાવંત્રી ગામે જતાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. આ બનાવથી જાવંત્રી ગીર ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.



Source link

Related Articles

Back to top button