गुजरात

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri Making Unsanitary place AMC Food Department


Panipuri: જ્યાં ત્યાં પાણીપુરી ખાતા હોવ તો ચેતજો! સડેલા બટાકા અને કાળું મેશ તેલ, ગંદકીથી ખદબદતી જગ્યા, અસ્વચ્છ પીપડાઓમાં ભરેલું પાણી, એક પણ વસ્તુઓ એવી નહીં કે જ્યાં લોકોના આરોગ્યનું ધ્યાન રખાયું હોય, ત્યારે હવે તંત્ર સાબદું થયું છે, પાણીપુરીના ઉત્પાદક અને વેચનાર લારીઓ પર દરોડા પાડયા છે.  

આવી પાણીપુરીનો ચટાકો ભારે પડશે!

અમદાવાદના જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં ચાલતા પાણીપુરી બનાવનારાને ત્યાં AMCના ફૂડ વિભાગે અચાનક દરોડા પાડતા અત્યંત ડરામણી સ્થિતિ જોવા મળી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે જે પાણીપુરી લોકો હોંશે હોંશે ખાય છે, તે અત્યંત અસ્વચ્છ જગ્યામાં તૈયાર કરવામાં આવતી હતી. મસાલા માટે સડેલા બટાકા અને વાસી ચણાનો ઉપયોગ થતો હતો, જ્યારે પૂરી તળવા માટે વપરાતું તેલ વારંવાર ગરમ કરવાને કારણે ઝેરી અને કાળું મેશ જેવું થઈ ગયું હતું. આ પ્રકારની બિનઆરોગ્યપ્રદ સામગ્રી સીધી રીતે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે.

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો 2 - image

પાણીપુરીનું પાણી એકદમ ગંદુ

તો બીજી તરફ સ્વાદિષ્ટ લાગતા પાણીપુરીના પાણી પાછળનું સત્ય પણ એટલું જ ગંદું છે. ઉત્પાદકો દ્વારા ગંદી કુંડીઓના નળમાંથી પાણી ભરીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પાણીને સંગ્રહવા માટે પણ કોઈ ચોખ્ખા પાત્રોને બદલે ડસ્ટબિન જેવા અસ્વચ્છ પીપડાઓનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. ગંદકીના સામ્રાજ્ય અને અસહ્ય દુર્ગંંધ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી ટાઇફોઇડ, કોલેરા અને અન્ય પાણીજન્ય રોગોને સીધું આમંત્રણ આપી રહી છે, જે જોઈને ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો 3 - image

ઇન્દ્રપુરી વૉર્ડમાં તંત્રના દરોડા

અમદાવાદના ઇન્દ્રપુરી વૉર્ડમાં પણ પાણીપુરી વેચનારી લારીઓ પર તંત્રએ દરોડા પાડયા છે. લારીઓ પરથી પાણી પૂરીમાં વપરાતી સામગ્રીઓના નમૂના લઈ વધુ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં ધૂમ મચાવશે, જાણો રિલીઝ ડેટ

ગાંધીનગરમાં રોગચાળો ફેલાતા અમદાવાદ મનપા સતર્ક

ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસોને પગલે AMC એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા આશરે 20થી 25 જેટલા એકમો પર મેગા રેડ કરીને ખાણીપીણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને શંકાસ્પદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે ફૂડ વિભાગે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.





Source link

Related Articles

Back to top button