ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં ધૂમ મચાવશે, જાણો રિલીઝ ડેટ | Bollywood News Gujarati blockbuster film Laalo to be released in Hindi date announced

![]()
Bollywood News: પ્રાદેશિક ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ ગુજરાતમાં ધમાલ મચાવ્યા બાદ હવે હિન્દીમાં રિલીઝ થવા તૈયાર છે. 50 લાખમાં બનેલી આ ફિલ્મને ગુજરાતી દર્શકોએ ખૂબ પ્રેમ આપતા ફિલ્મ નિર્માતાએ હિન્દીમાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે જેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.
હિન્દીમાં રિલીઝ થશે ફિલ્મ લાલો
નાના બજેટમાં બનેલી લાલો ફિલ્મમાં કોઈ મોટી સ્ટારકાસ્ટ ન હતી છતાં તેમના અભિનય અને સ્ટોરીએ દર્શકોના દિલ જીત્યા હતા, ફિલ્મે બોક્સ ઑફિસમાં તગડી કમાણી કરી હતી. જે બાદ હવે 9 જાન્યુઆરી 2026ના રોજ લાલોને હિન્દી વર્ઝનમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતી સિનેમા જગતના ઇતિહાસમાં લાલો ફિલ્મે નવો અધ્યાય રચી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ઘણા લોકો હિન્દી વર્ઝનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે.
120 કરોડની કમાણીનો અંદાજ
અંકિત સખિયાના નિર્દેશક હેઠળ બનેલી આ ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહાદ ગોસ્વામી, કરણ જોષી મુખ્ય ભૂમિકામાં છે. એક રિપોર્ટ મુજબ 50 લાખમાં બનેલી આ ફિલ્મે ગુજરાતી વર્ઝનમાં જ 100 કરોડથી વધુની કમાણી કરી છે. અંદાજિત ફિલ્મનું બોક્સ ઑફિસ કલેક્શન 120 કરોડની આસપાસ છે. એટલે કે ફિલ્મે 24000 ટકાનો નફો રળ્યો છે. બજેટની દૃષ્ટિએ બોક્સ ઑફિસમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. સાથે જ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર પહેલી ગુજરાતી ફિલ્મ છે.
આ પણ વાંચો: ટોક્સિકમાં પોપ્યુલર લૂક માટે ચાર હિરોઈનો વચ્ચે ચડસાચડસી
આ ફિલ્મ 10 ઑક્ટોબરના રોજ ગુજરાતી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી, શરુઆતમાં ફિલ્મને ઓછી સ્ક્રીન મળી હતી, પણ ફિલ્મ જોઈને આવેલા દર્શકોએ સોશિયલ મીડિયામાં ભરપૂર વખાણ કર્યા હતા. જેથી ફિલ્મની સ્ક્રીનો વધારી દેવામાં આવી હતી. બાદમાં ઘણા સપ્તાહ એવા હતા કે મોટાભાગના સિનેમાઘરો ‘હાઉસફૂલ’ થયા હતા.



