પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર! શરીફ-મુનિરનું વધશે ટેન્શન, ચિનાબ પર 4 પ્લાન તૈયાર | chenab river hydropower projects india pakistan indus waters treaty

India Chenab River Projects: જમ્મુ-કાશ્મીરના પહાડોમાં ભારત હવે એવી વ્યૂહાત્મક તૈયારી કરી રહ્યું છે જે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી શકે તેમ છે. કેન્દ્ર સરકારે ચિનાબ નદી પર બની રહેલા ચાર વિશાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. આ માત્ર વીજળી ઉત્પન્ન કરવાનો મામલો નથી, પરંતુ પાકિસ્તાનની જીવનરેખા ગણાતી નદીઓના પાણી પર ભારતનું નિયંત્રણ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે. તાજેતરમાં કેન્દ્રીય વીજ મંત્રી મનોહર લાલ ખટ્ટરે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી, ત્યારબાદ આ પ્રોજેક્ટ્સ માટે નવી અને કડક ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.
કયા પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે?
ચિનાબ નદી પરની આ વ્યૂહાત્મક યોજનાઓની વર્તમાન સ્થિતિ અને લક્ષ્યાંકો અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. જે મુજબ 1,000 મેગાવોટની ક્ષમતા ધરાવતો પાકલ ડુલ પ્રોજેક્ટ અને કિરૂ પ્રોજેક્ટ બંનેને આગામી ડિસેમ્બર 2026 સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઈજનેરી કૌશલ્ય સમાન ક્વાર પ્રોજેક્ટને માર્ચ 2028 સુધીમાં તૈયાર કરી દેવાની સૂચના અપાઈ છે, જ્યારે પાકિસ્તાન જેનો સૌથી વધુ વિરોધ કરી રહ્યું છે તેવા અત્યંત સંવેદનશીલ રતલે ડેમનું નિર્માણ કાર્ય પણ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. આ સમયસીમા પરથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે નિર્ધારિત સમયમાં આ તમામ પ્રોજેક્ટ્સ પૂરા કરીને જળ સંસાધનો પર પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.
પાકિસ્તાન માટે કેમ ચિંતાનો વિષય?
પાકિસ્તાન તેની ખેતી અને જરૂરિયાતના 90% પાણી માટે સિંધુ બેસિનની નદીઓ પર નિર્ભર છે. પાકિસ્તાનના 10માંથી 9 લોકો એ પાણી વાપરે છે જે ભારતમાંથી વહીને ત્યાં જાય છે.
1. પાકલ ડુલ ડેમ: આ 1,000 મેગાવોટનો પ્રોજેક્ટ ભારતનો સૌથી ઊંચો (167 મીટર) ડેમ હશે. મહત્ત્વની વાત એ છે કે પશ્ચિમી નદીઓ પર ભારતનો આ પહેલો સ્ટોરેજ પ્રોજેક્ટ છે. આનાથી ભારત પાસે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાની શક્તિ આવી જશે.
2. રતલે પ્રોજેક્ટ: આ પ્રોજેક્ટનો પાકિસ્તાન લાંબા સમયથી વિરોધ કરી રહ્યું છે. ખાસ કરીને તેના ડિઝાઇન અને સ્પિલવે મુદ્દે પાકિસ્તાનને વાંધો છે, પરંતુ ભારત હવે તેને ઝડપથી આગળ વધારી રહ્યું છે.
3. સીરીઝ પ્રોજેક્ટ્સ: કિરૂ અને ક્વાર જેવા પ્રોજેક્ટ્સ એક હારમાળામાં હોવાથી ભારત આખી નદીના વહેણને મેનેજ કરવાની સ્થિતિમાં હશે.
આ પણ વાંચો: દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી
સિંધુ જળ સંધિ અને ભારતનું વલણ
સિંધુ જળ સંધિના નિયમો હેઠળ પાકિસ્તાન વારંવાર ભારતના પ્રોજેક્ટ્સ સામે વાંધો ઉઠાવતું આવ્યું છે. તાજેતરમાં દુલહસ્તી સ્ટેજ-2ને મળેલી મંજૂરી સામે પણ પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો હતો, જેને ભારતે સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ભારત હવે ‘રન-ઑફ-ધ-રિવર’ પ્રોજેક્ટ્સ અને સ્ટોરેજ ક્ષમતા વધારીને પોતાની જળ શક્તિનો પૂરો ઉપયોગ કરવાના મૂડમાં છે.



