જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace in Jamnagar Video Shows Furious Bull Trampling Young Man in Moti Khavdi

![]()
Jamnagar Bull Attack: જામનગર તાલુકાના મોટી ખાવડી (વસઈ) પંથકમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. મંગળવારે સવારે એક રખડતા આખલાએ રાહદારી યુવાન પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આખલાએ યુવાનને પછાડીને કચડી નાંખતા ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ પથ્થરમારો અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ યુવાનને પશુના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.
રસ્તા વચ્ચે મોતનું તાંડવ
જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં મંગળવારે સવારે એક આખલો અચાનક આક્રમક બની બની ગયો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ યુવાનને આ આખલાએ અડફેટે લીધો હતો. આક્રમક બનેલા આખલાએ યુવાનને જમીન પર પછાડી દીધો હતો અને ત્યારબાદ તેને પોતાના શિંગડા અને પગ વડે રસ્તા પર જ રીતસરનો કચડી નાંખ્યો હતો.
આ ઘટના જોઈને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. યુવાનનો જીવ બચાવવા માટે લોકોએ પશુનું ધ્યાન ભટકાવવા લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. આખલાને શાંત કરવા કે દૂર ખસેડવા માટે તેના પર પાણી છાંટવામાં આવ્યું હતું, જ્યારે તેનું ધ્યાન અન્ય વ્યક્તિ તરફ ગયું, ત્યારે તકનો લાભ ઉઠાવી ગંભીર રીતે ઘાયલ યુવાન ત્યાંથી ખસી જવામાં સફળ રહ્યો હતો.
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાનો વિડીયો કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વિડીયો સમગ્ર જામનગર જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તેની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.



