રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઇ-બહેનનાં ત્રાસથી આપઘાત કર્યો હતો | Rajkot milk trader commits suicide due to harassment by siblings

![]()
જામ કંડોરણાના સાતોદડ ગામ પાસે ઝેર પી જિંદગી ટુંકાવી હતી
ખંભાળાની મહિલાએ તેના પતિને મારી નાખવાની વાત કરી હતી, દૂધના ધંધાર્થીએ ના પાડતા તેના પ્લાન્ટમાં તાળુ મારી દેતા પગલુ ભરી લીધુ
જામ કંડોરણા, રાજકોટ: રાજકોટનાં રેલ નગર વિસ્તારમાં શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા દૂધનાં ધંધાર્થી નીલેશભાઇ શાંતીભાઇ હિડોચા નામના આધેડે ગઇ તા.૧૮-૪નાં જામકંડોરણાના સાતોદડ ગામ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના પત્ની કાજલબેન (ઉ.વ.૪૫)એ પડધરીનાં ખંભાળા ગામે રહેતા જયદીપ મનજીભાઇ પાંચાળી અને તેના બહેન ધર્મિષ્ઠાબેન સામે ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કાજલબેને પોલીસને જણાવ્યું કે, તેના પતિ નીલેશભાઇએ ભાર્ગવ ભદ્રા (રહે. રેલનગર) અને પુર્વીબેન ત્રીવેદી (રહે. ગાંધીગ્રામ) સાથે દૂધનો પ્લાન્ટ શરૂ કરવા માટે ખંભાળા રહેતા આરોપી જયદીપનું મકાન રૂા.૧૫ હજાર લેખે ભાડે રાખ્યું હતું. જે મકાનમાં દૂધનો પ્લાન્ટ ફીટ કરી તે દૂધની બનાવટોનું વેચાણ કરતા હતા. ૨૦૨૪માં ફેબુ્રઆરીમાં નીલેશભાઇએ આરોપીઓ પાસેથી રૂા.૨ લાખ બે માસ માટે ઉછીના લીધા હતા.હોળીનાં તહેવારમાં પૈસાની ઉઘરાણી કરાતા તેણે બંને આરોપીઓને દૂધનાં પ્લાન્ટે બોલાવી રૂા. ૧ લાખ રોકડા આપ્યા હતા. જ્યારે ૧ લાખ બાકી હતા. આ સમયે ધર્મિષ્ઠાબેને તેના પતિનો ફોટો બતાવી તેને જણાવ્યું હતું કે નીલેશભાઇ મારા પતિએ મૈત્રી કરાર કરી લીધો છે જેથી તેને મારી નાખવો છે મારવાનું કામ તમારે કરવાનું છે. આપણે એક્સીડન્ટનો પ્લાન બનાવી મારી નાખવો છે બાકી બધુ હું જોઇ લઇશ. હું તમને કઇ નહીં થવા દવ. મારા પતિનો એક કરોડનો વીમો છે હું તમને ભાગ પણ આપીશ તેમ કહ્યું હતું. આ સમયે ત્યાં હાજર કાજલબેને પતિ નીલેશભાઇને આવુ કઇ ન કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ ધર્મિષ્ઠાબેન તેના પતિને અવાર નવાર ફોન કરતા તે સતત ચિંતામાં રહેતા હતા.
માર્ચ ૨૦૨૪ માસમાં નીલેશભાઇનાં માતાનું અવસાન થતા તે ત્યાં ગયા હતા આ સમયે પણ ધર્મિષ્ઠા તેને ફોન કરતી હતી જેથી તે ફોન ઉપાડતા ન હોવાથી ધર્મિષ્ઠાએ તેના પ્લાન્ટે જઇ મકાનને તાળુ મારી દીધુ હતું. ત્યારબાદ એક દીવસ રાત્રે તે આરોપીના ઘરે જતા બંને આરોપીને અમારો ધંધો બંધ છે તમે મકાનને તાળુ મારી દીધુ છે સમયસર ભાડાની રકમ પણ આપીએ છીએ તેમ કહેતાં આરોપીઓએ હીસાબ ફરીથી કરવો પડશે તેમ જવાબ આપ્યો હતો. આથી નીલેશભાઇએ જો તમે તાળુ નહીં ખોલો તો મારે દવા પીવાનો વારો આવશે તેમ કહેતાં આરોપીએ તો મરી જવાય અમારે શું તેમ કહીં દેતા ગઇ તા.૧૮-૪નાં ઘરે વકીલ પાસે જાઉ છું કહીંને નીકળ્યાં બાદ નીલેશભાઇએ તેને, તેના ભાગીદાર અને પુત્રીને વોટ્સએપમાં સ્યુસાઇડ નોટ મોકલી હતી.
બીજી તરફ ફોન બંધ આવતો હોવાથી શોધખોળ શરૂ કરી હતી. થોડા સમયબાદ નીલેશભાઇએ પુત્રીને વિડીયો કોલ કરતા તેની પુત્રીએ ક્યાં છો તેમ પુછતાં તેણે હું ઘરે નહીં આવું મે ધર્મીષ્ઠા અને તેના ભાઇ જયદીપનાં માનસીક ત્રાસનાં કારણે ઝેરી દવા પી લીધી છે. આ સમયે વિડીયો કોલમાં સાતોદડ ગામે પાસેનું મંદીર દેખાતુ હોવાથી પરિવારજનો ત્યાં પહોચ્યાં હતા અને નીલેશભાઇને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.


