गुजरात

અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ‘ખૂની ખેલ’, એક જ પરિવારના 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો | Family of 4 Attacked with Knives and Sticks in Shah Alam Over Abusive Language Dispute



Ahmedabad Crime News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ સામાન્ય બાબતે હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રસ્તા પર જાહેરમાં ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ એક જ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

3 જાન્યુઆરીના રોજ સવારે શાહઆલમ વિસ્તારમાં એમ.એસ. લેન્ડ માર્ક સામે આવેલા નાઝ બ્યુટી પાર્લર પાસે આ ઘટના બની હતી. મીઠાખળીમાં રાજ કાર એસેસરીઝની દુકાન ચલાવતા વેપારી પોતાના પરિવાર સાથે ત્યાં હાજર હતા. તે સમયે ‘પાપે ફ્રાય સેન્ટર’નો માલિક શૈફઅલી અને તેના ત્રણ સાથીદારો જાહેરમાં જોર-જોરથી બીભત્સ ગાળો બોલી રહ્યા હતા.

ત્યાંથી મહિલાઓની અવર-જવર હોવાથી ફરિયાદી વેપારીએ શૈફઅલીને શાંતિ જાળવવા અને ગાળો ન બોલવા વિનંતી કરી હતી. આ સાંભળીને શૈફઅલી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો.

પરિવારના સભ્યો લોહીલુહાણ, સોનાની ચેઇન પણ ગુમાવી

ઝઘડો વધતા જ્યારે ફરિયાદીના પત્ની યાશ્મીન બાનુ અને તેમના બે ભાઈઓ મક્સુદ તથા અલ્તાફ વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓએ વધુ આક્રમક બની હુમલો કર્યો હતો. આરોપીએ છરી વડે હુમલો કરતા યાશ્મીન બાનુને ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. જ્યારે મક્સુદ અને અલ્તાફને માથાના ભાગે અને કપાળ પર દંડાના ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ઝપાઝપી દરમિયાન ફરિયાદીનો મોબાઈલ તૂટી ગયો હતો અને તેમની પત્નીની સોનાની ચેઇન પણ ખોવાઈ ગઈ હતી.

હુમલા બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વેપારીની ફરિયાદના આધારે શૈફઅલી અને તેના ત્રણ સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button