અંબાવ ગામના અરજદારે જ શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાડયાનો ઘટસ્ફોટ | the applicant from Ambav village himself poured petrol on his body and set it on fire

![]()
– ભ્રષ્ટાચારની રજૂઆત બાદ શખ્સને સળગાવવાના પ્રયાસમાં નવો વળાંક
– ઘટનાના સીસીટીવી ફૂટેજ, હાજર લોકોના નિવેદનો લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
આણંદ : આંકલાવ તાલુકાના અંબાવ ગામના શખ્સને જીવતો સળગાવી દેવાના પ્રયાસના બનાવમાં ફરિયાદી દ્વારા જાતે જ સળગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ઘટના વખતે હાજર કેટલાક લોકોના નિવેદોનો પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ભરતભાઈ ફુલસિંહ પઢિયારે અંબાવ ખાતે પોતાના શરીર ઉપર કોઈ જ્વલન પદાર્થ છાંટીને જાતે દીવાસળી ચાંપી આગ લગાડતા શરીરને દાઝી ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બનાવ વખતે ત્યાં હાજર ભરતભાઈના પુત્ર કેવલ ભરતભાઈ પઢીયાર તેમને બચાવવા જતા તે પણ દાઝી ગયા હતા. બંનેને સ્થાનિક લોકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. ઇજાગ્રસ્ત ભરતભાઈ પઢિયારે ફરિયાદ નોંધાવી હતી કે, પોતે અંબાવ ગામના સરપંચ દ્વારા થતા ભ્રષ્ટાચાર અંગે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હોવાથી મનદુઃખ રાખી અંબાવ ગામના સરપંચ કોકીલાબેન પઢીયાર તેમના પતિ દિનેશભાઈ પઢિયાર, પુત્ર પોપટભાઈ પઢીયાર સહિતના પાંચ લોકોએ મારામારી કરી અને પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે આંકલાવ પોલીસ મથકમાં રવિવારે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભરતભાઈ પઢીયાર દ્વારા પોતાના ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી જાતે જ સળગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે. સાથે સાથે ઘટના વખતે હાજર કેટલાક લોકોના નિવેદોનો પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે અને પુરાવાઓની ચકાસણી કરતા ભરતભાઈએ જાતે સળગવા પ્રયત્ન કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
ફરિયાદી જાતે જ પેટ્રોલ છાંટીને આવે છે અને દિવાસળી ચાંપતો વીડિયો નજરે પડે છે : તપાસ અધિકારી
આંકલાવ પોલીસ મથકના પી.આઈ પી.જે. બાટવા સમગ્ર બનાવની તપાસ કરી રહ્યાં છે અને તેઓના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા વિડિયો ફૂટેજ અને ઘટના સમયે હાજર કેટલાક સ્થાનિકોના નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં ભરતભાઈ પઢીયાર પેટ્રોલ છાંટીને આવે છે અને જાતે જ પોતાના શરીરે દિવાસળી ચાપતો વીડિયોમાં નજરે પડે છે. હાલ તે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



