નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ | SC ST OBC also have right to general seats in jobs: Supreme Court

![]()
– ઓપન કેટેગરી કોઇ ચોક્કસ વર્ગ કે જાતિની જાગિર નથી : સુપ્રીમ
– ઓપનનો અર્થ થાય તમામ માટે ખુલ્લુ હોવું, મેરિટનું પણ સન્માન જરૂરી : હાઇકોર્ટમાં ભરતી મામલે સુપ્રીમનું અવલોકન
નવી દિલ્હી : સરકારી નોકરીઓમાં અનામત અને મેરિટને લઇને લાંબા સમયથી જે ચર્ચા ચાલી રહી છે તેના પર સુપ્રીમ કોર્ટે વિરામ મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા સ્પષ્ટતા કરી છે કે અનામત વર્ગ એસસી, એસટી, ઓબીસી અને ઇડબલ્યુએસના ઉમેદવારો પણ જનરલ કેટેગરીની સીટ પર નોકરી મેળવવાના હકદાર છે પરંતુ શરત એટલી જ છે કે તેમણે જનરલ કેટેગરીમાં કટઓફ મેળવેલ હોવી જોઇએ.
રાજસ્થાન હાઇકોર્ટમાં કેટલાક પદો પર ભરતી બહાર પડાઇ હતી જેમાં એક નિયમ હતો કે અનામત વર્ગના ઉમેદવારોને સામાન્ય કેટેગરીના પદ માટે નિમણુંક નહીં આપવામાં આવે. તેમના કટઓફ નંબર જનરલ કટઓફથી વધુ જ કેમ ના હોય, હાઇકોર્ટનુ એવુ તર્ક હતું કે જો અનામત વર્ગને જનરલ સીટ અપાઇ તો તે ડબલ બેનિફિટ આપવા જેવું ગણાશે પહેલુ અનામત અને બીજુ સામાન્ય રીટ. બાદમાં હાઇકોર્ટની જ ડિવિઝન બેન્ચે અનામત કેટેગરીના ઉમેદવારોની તરફેણમાં ચુકાદો આપ્યો, પરિણામે હાઇકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો અને હાઇકોર્ટ પ્રશાસન દ્વારા કરાયેલી અપીલને ફગાવાઇ હતી.
સુપ્રીમના ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ઓગસ્ટિન જી મસિહની બેંચે સ્પષ્ટતા કરી હતી કે ઓપન શબ્દનો અર્થ થાય છે તમામ માટે ઓપન, મેરિટનું સન્માન થવું જોઇએ, સુપ્રીમ કોર્ટે ૧૯૯૨ના ઐતિહાસિક ઇંદિરા સાહની ચુકાદાને ટાંક્યો હતો. ન્યાયાધીશ દત્તાએ સ્પષ્ટ કહ્યું હતું કે અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે ઓપન શબ્દનો અર્થ ખુલ્લુ એવો થાય છે, એટલે કે જે સીટો ઓપન કેટેગરી માટે છે તે કોઇ ચોક્કસ જાતિ વર્ગની જાગીર નથી, તે તમામ માટે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયાને પણ સ્પષ્ટ કરી દીધી હતી, જેમ કે જો કોઇ અનામત વર્ગ (એસસી, એસટી, ઓબીસી)નો ઉમેદવાર લેખિત પરીક્ષામાં જનરલ કેટેગરીના કટઓફથી વધુ માર્ક લાવે છે તો ઇન્ટરવ્યૂ સમયે તેને જનરલ કેટેગરીનો ઉમેદવાર માનવામાં આવશે. જો ફાઇનલ રિઝલ્ટમાં કુલ માર્ક જનરલ કેટેગરીના કટઓફથી ઓછા રહી જાય તો તેને પરત ફરી એ જ મૂળ અનામત કેટેગરીમાં ગણવામાં આવશે કે જેથી તેને અનામતનો લાભ મળી શકે.



