गुजरात

પોરબંદરના સમુદ્રોત્સવમાં વડોદરાના પોલીસ ઇન્સ્પેકટરની ગૌરવપૂર્ણ સિદ્ધિ | Proud achievement of Vadodara Police Inspector at Porbandar’s Samudrotsav



પોરબંદરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા સી-સ્વિમાથોન સ્પર્ધામાં વડોદરા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ આહીરે ઉત્તમ પ્રદર્શન કરી ૧૫ કિલોમીટરમાં ઓલ ઇન્ડિયા ૧૦મો અને ૧ કિલોમીટરમાં ૧૧મો ક્રમ હાંસલ કર્યા છે.

પોરબંદરમાં ગઈકાલે અનોખી અને રોમાંચક સી-સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાના તોફાની મોજાં વચ્ચે યોજાયેલી આ ઓલ ઇન્ડિયા લેવલની ઓપન સ્વિમાથોન-૨૦૨૯માં દેશના ૧૯ રાજ્યોમાંથી ૧૫૦૦થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો હતો.૫૦૦ મીટરથી લઈને ૧૫ કિલોમીટર સુધીની વિવિધ હરીફાઈઓમાં ૧૮ વર્ષના યુવાનોથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધ તરવૈયાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં વડોદરા શહેરના ટ્રાફિક પૂર્વ, સેક્ટર-જી ખાતે પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષની વયના એચ.એલ. આહીરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સમુદ્ર વીર સી-સ્વિમિંગ સ્પર્ધામાં દેશભરના અનુભવી તરવૈયાઓ વચ્ચે તેમણે ઉત્તમ સાહસ અને દૃઢ સંકલ્પ સાથે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

એચ.એલ. આહીરે ૧૫ કિલોમીટરની હરીફાઈમાં ૭ કલાક અને ૨૯ મિનિટ સતત સમુદ્રમાં તરતા રહી ઓલ ઇન્ડિયા લેવલે ૧૦મો ક્રમ મેળવી મેડલ જીત્યો હતો. ઉપરાંત ૧ કિલો મીટરની હરીફાઈમાં પણ ૨૯ મિનિટ સતત તરતા રહી ઓલ ઇન્ડિયા લેવલે ૧૧મો ક્રમ મેળવી વધુ એક મેડલ પોતાના નામે કર્યો હતો.

અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, એચ.એલ. આહીર અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ ૯ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ અને રાજ્ય તથા જિલ્લા કશો ૭૦ મેડલ હાંસલ કર્યા છે. તેઓએ ન્યુઝીલેન્ડ અને મલેશિયા ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.તેમની આ સિદ્ધિ વડોદરા પોલીસ દળ માટે ગૌરવરૂપ બનવાની સાથે યુવાનો અને પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણાસ્રોત બની છે.



Source link

Related Articles

Back to top button