गुजरात

વહેલી સવારે ઝાકળ સાથે વડોદરામાં ફરી ઠંડીનું જોર વધ્યું : તાપમાનનો પારો એક ડિગ્રી ગગડયો | Cold weather intensified again in Vadodara with early morning dew



Vadodara Winter Season : વડોદરા શહેરમાં ફરી એકવાર ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ઉત્તર દિશામાંથી વહેતા ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સોમવારની વહેલી સવારથી જ શહેરમાં ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, લઘુત્તમ તાપમાનનો પારો એક ડિગ્રી ગગડીને 13.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે, જેના કારણે લોકો ફરીથી ગરમ કપડાં બહાર કાઢવા મજબૂર બન્યા છે.

 સવારે વહેલી કલાકોમાં ઠંડી હવાના કારણે રસ્તાઓ પર ઓછી ચહલપહલ જોવા મળી હતી. ખાસ કરીને સવારના સમયે કામ પર જનાર નોકરીયાતો, વોક માટે નીકળતા નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને દૂધ-શાકભાજી વેચનારાઓ ઠંડીથી બચવા સ્વેટર, જેકેટ અને શાલમાં લપેટાયેલા દેખાયા. શહેરના ખુલ્લા વિસ્તારો અને ઉપનગરોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ હતી. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી. ઉત્તર ભારતમાં સર્જાયેલા હવામાન પરિવર્તન અને ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહેતા તાપમાનમાં થોડો વધારો થવાથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. આ સાથે આજે વહેલી સવારે ઝાકળ પણ નોંધપાત્ર રીતે વધારે થયું હોવાનું જણાઈ આવ્યું હતું. ઠંડી વધતા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ ગરમ પાણી, પૌષ્ટિક આહાર અને પૂરતી ગરમી જાળવવા સૂચના આપવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button