‘સ્મશાન નહીં તો વોટ નહીં’: અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને AMC વિરુદ્ધ રોષ, ચૂંટણી બહિષ્કારનું એલાન | Ahmedabad News Bhadaj Village Demand for crematorium Announcement of election boycott

![]()
Ahmedabad News: સ્માર્ટ શહેર અમદાવાદની આ એક તસવીર જુઓ! જ્યાં નેતાઓના નામ મોટા દર્શન ખોટા વાળી કહેવત સાચી ઠરે છે. થલતેજ વોર્ડના ભાડજ ગામમાં સ્મશાનની તકલીફ છે, અનેક રજૂઆત છતાં પણ ચૂંટાયેલા નેતાઓ અને AMC આંખ આડા કાન કરી રહ્યું છે, આખરે લોકોએ કંટાળી ‘સ્મશાન નહીં તો વોટ નહીં’ના પોસ્ટરો સાથે ભાજપ અને AMC સત્તાધીશોનો વિરોધ કર્યો છે.
પાયાની જરૂરિયાત આપવામાં વાંધો વચકો
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ વોર્ડના ભાડજ ગામમાં સ્થાનિક સુવિધાઓના અભાવે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી સ્મશાનગૃહની માંગણી સંતોષવામાં ન આવતા ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. વિકાસના દાવાઓ વચ્ચે પાયાની જરૂરિયાત ગણાતી સ્મશાનની સુવિધા ન મળતા ગ્રામજનોએ એકસૂરે આગામી ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને ગામના પ્રવેશદ્વારો પર વિરોધ પ્રદર્શન કરતા બોર્ડ લગાવી દીધા છે.
અંતિમ સંસ્કાર કરવા વેઠવી પડે છે તકલીફ
આ વિરોધ પ્રદર્શનમાં ભાડજ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. ગામના રહીશોનું કહેવું છે કે, આધુનિક અમદાવાદમાં સમાવિષ્ટ હોવા છતાં તેમના વિસ્તારમાં અંતિમ સંસ્કાર માટે કોઈ વ્યવસ્થા નથી. જ્યારે પણ ગામમાં કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે મૃતદેહને છેક એસ.જી. હાઈવે ઓળંગીને દૂર આવેલા થલતેજ સ્મશાનગૃહ સુધી લઈ જવો પડે છે. ટ્રાફિક અને અંતરના કારણે અંતિમ યાત્રામાં જે મુશ્કેલીઓ પડે છે તેનાથી કંટાળીને હવે ગ્રામજનોએ ‘સ્મશાન નહીં તો વોટ નહીં’નું સૂત્ર બુલંદ કર્યું છે.
‘સ્મશાન નહીં તો વોટ નહીં’
ભાડજ ગામમાં હાલ ઠેર-ઠેર ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિરુદ્ધ બેનરો જોવા મળી રહ્યા છે. આ બેનરોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, “જ્યાં સુધી સ્મશાનનું નિર્માણ નહીં થાય, ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતા કે AMCના પદાધિકારીઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં.” ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ બાબતે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.
બોલો! પ્રજા સેવકને માંગણી ગેરવાજબી લાગી!
બીજી તરફ, આ મામલે રાજકીય વિવાદ પણ છેડાયો છે. સ્થાનિક કોર્પોરેટરે ગ્રામજનોની આ માંગણીને ગેરવાજબી ગણાવતા તર્ક આપ્યો છે કે થલતેજ વોર્ડમાં પહેલેથી જ બે સ્મશાનગૃહ કાર્યરત છે.



