गुजरात

અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો! | Amreli News dumper Breakage in water line on Savarkundla Road Epidemic threat


Amreli News: અમરેલી જિલ્લાના પાણી પુરવઠા વિભાગની અને મેન્ટેનન્સ કરતી એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. અમરેલી-સાવરકુંડલા રોડ પરથી પસાર થતી શેત્રુંજી પાણીની પાઈપલાઈનમાં છેલ્લા ચાર દિવસથી ભંગાણ પડ્યું હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. આ ભંગાણને કારણે લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાંચ ગામોમાં રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

રેતીના ડમ્પરોએ નોતર્યું સંકટ

મળતી માહિતી મુજબ, ઠેબી નદીમાં બેરોકટોક ચાલતા રેતીના ડમ્પરોની અવરજવરને કારણે ઈશ્વરીયા જૂથ યોજના હેઠળની આ પાણીની લાઈન તૂટી ગઈ છે. નદીના પટમાં ભારે વાહનોના કારણે લાઈનમાં ભંગાણ પડ્યું હોવા છતાં જવાબદાર અધિકારીઓએ હજુ સુધી કોઈ નક્કર પગલાં ભર્યા નથી.

5 ગામોમાં રોગચાળાનો ભય

લાઈન તૂટી હોવાથી ઠેબી નદીનું ગંદુ અને દૂષિત પાણી આ પાઈપલાઈનમાં ઘૂસી રહ્યું છે. આ જ દૂષિત પાણી હવે ગામડાઓમાં સપ્લાય થઈ રહ્યું છે. જેના કારણે લાપાળીયા, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા સહિત કુલ પાંચ ગામોના લોકો છેલ્લા ચાર દિવસથી ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. પ્રદૂષિત પાણીને કારણે આ વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.

અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો! 2 - image

અધિકારીઓ અને એજન્સીની ગુનાહિત બેદરકારી

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાણીની લાઈન ચાર દિવસથી તૂટેલી છે અને લાખો લિટર પીવાનું પાણી નદીમાં વહી રહ્યું છે. એકતરફ ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી વર્તાતી હોય છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મેન્ટેનન્સની જવાબદારી સંભાળતી એજન્સી અને સરકારી અધિકારીઓ આ બાબતે ‘આંખ આડા કાન’ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો: બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ

જનતામાં ભારે રોષ

ગામડાઓમાં દૂષિત પાણીનું વિતરણ થતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સત્વરે આ લાઈન રિપેર કરવામાં નહીં આવે અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા છે.



Source link

Related Articles

Back to top button