ધુરંધર જોઈ ચકિત થયો કરણ જોહર, વખાણ કરતાં કહ્યું- મને પોતાની આવડત પર થઈ આશંકા | karan johar reaction on aditya dhar film dhurandhar

![]()
Karan Johar Reaction On Dhurandhar: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને તે દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 1,000 કરોડનું કલેક્શન કરી લીધું છે, તો બીજી તરફ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 700 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે આ ફિલ્મ અંગે ફિલ્મમેકર કરણ જોહરની પ્રતિક્રિયા સામે આવી છે.
ધુરંધરના કરણ જોહરે કર્યા વખાણ
આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર’માં રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા મોટા સ્ટાર્સ છે. આ ફિલ્મ 2025ની સૌથી સફળ ફિલ્મોમાંની એક બની ગઈ છે અને તેની દમદાર સ્ટોરી માટે ખૂબ ચર્ચામાં છે. દેશના ઘણા મોટા-મોટા ફિલ્મમેકર્સે આ ફિલ્મની પ્રશંસા કરી છે. હવે તેમાં કરણ જોહરનું નામ પણ સામેલ થઈ ગયું છે.
ધુરંધર જોઈ ચકિત થયો કરણ જોહર
અનુપમા ચોપરાનું પુસ્તક ‘ડાઇનિંગ વિથ સ્ટાર્સ’ના લોન્ચ પર કરણ જોહરે કહ્યું કે, ‘મેં એક ફિલ્મ (તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી) પ્રોડ્યૂસ કરી અને પછી 5 ડિસેમ્બરના રોજ ધુરંધર રિલીઝ થઈ અને હું તેને જોઈને ચકિત થઈ ગયો. મને લાગ્યું કે એક ફિલ્મમેકર તરીકે મારું પોતાનું કામ તેની તુલનામાં લિમિટેડ છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને સ્ટોરી કહેવાની રીતથી હું ખૂબ જ ઈમ્પ્રેસ થયો.’
કરણ જોહરે આગળ કહ્યું કે, ‘મને આ ફિલ્મ યુનિક લાગી અને હું દરેકના મંતવ્યનો આદર કરું છું. ‘ધુરંધર’માં મને જે સૌથી વધુ પસંદ આવ્યું તે એ હતું કે, ડાયરેક્ટર સેલ્ફ-કોન્શિયસ નહોતો લાગી રહ્યો અથવા એવું નહોતું લાગી રહ્યું કે, તે દેખાડો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સ્ટોરી કહેવાની રીત ખૂબ જ સરળ હતી, અને ફ્રેમ્સ વિચાર કર્યા વિના સુંદર રીતે શૂટ કરવામાં આવી હતી.’
મને પોતાની આવડત પર થઈ આશંકા
અંતમાં ફિલ્મમેકરે કહ્યું કે, ‘ધુરંધર જોયા બાદ મને એક ફિલ્મમેકર તરીકે પોતાની આવડત પર આશંકા થઈ, જે મારા માટે હંમેશા એક સારી બાબત રહી છે. મેં વર્ષની શરૂઆત ‘સૈયારા’ ફિલ્મને પસંદ કરીને કરી હતી અને વર્ષનો અંત ધુરંધરને પસંદ કરીને કર્યો. મને ફિલેમ ‘લોકા’ પણ ખૂબ પસંદ આવી હતી.’
કાર્તિક આર્યનની ફિલ્મ ફ્લોપ
કરણ જોહરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જ્યારે બીજી તરફ તેના જ ધર્મા પ્રોડક્શન્સમાં બનેલી ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ ફ્લોપ ગઈ છે. ફિલ્મે પાંચ દિવસમાં માત્ર 23 કરોડની કમાણી કરી છે જ્યારે 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘ધુરંધર’એ તેના 24મા દિવસે 22 કરોડથી વધુ કમાણી કરી છે.



