राष्ट्रीय

2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા | umar khalid sharjeel imam supreme court verdict bail live updates delhi riots uapa case


Delhi Riots SC Verdict on Umar Khalid: 2020માં દિલ્હી રમખાણોમાં કથિત ભૂમિકા મામલે યુએપીએના કેસમાં એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ, શરજીલ ઈમામની સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.  તેમના સિવાયના 5 આરોપીઓની જામીન અરજી મંજૂર થઈ ગઇ છે. અગાઉ 10 ડિસેમ્બરે આરોપીઓ અને દિલ્હી પોલીસની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જામીન અરજીઓ પર ફેંસલો સંભળાવતા અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, બંધારણનો અનુચ્છેદ 21 (જીવવાનો અને સ્વતંત્રતાનો અધિકાર)એ સર્વોપરી છે અને ટ્રાયલ પૂરી થયા પહેલા કોઈને લાંબા સમય સુધી જેલમાં રાખવો એ સજા સમાન ગણી શકાય નહીં.

કોણે કોણે કરી હતી જામીન અરજી? 

શરજીલ ઈમામ અને  ઉમર ખાલિદ સિવાયના આરોપીઓમાં સામેલ ગુલફિશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબા અહેમદે જામીન માગ્યા હતા જેમને જામીન મળી ગયા છે પણ ખાલિદ અને શરજીલના જામીન ફગાવી દેવાયા છે. આ તમામ આરોપી 2020ના દિલ્હી રમખાણોમાં કથિત ભૂમિકા બદલ પાંચ વર્ષ કરતા વધુ સમયથી જેલમાં જ છે. દિલ્હી હાઈકોર્ટે યુએપીએનો હવાલો આપતા તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો અને તેમણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું? 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુએપીએ એક્ટનો હવાલો આપતાં કહ્યું હતું કે હાઈકોર્ટે તેનો ઉલ્લેખ કરીને જ જામીન ફગાવ્યા હતા. આરોપીઓ સામે અલગ અલગ કલમો લગાવાઈ છે. તમામ આરોપીઓને એક નજરે ન જોઇ શકાય.  શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની ભૂમિકા અલગ જ દેખાઈ રહી છે. બાકીના અન્ય આરોપીઓની ભૂમિકા અલગ હતી. અપરાધની ગંભીરતાને અમારે ધ્યાનમાં લેવી પડશે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે રમખાણકારોને એકઠા કરવામાં શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની ભૂમિકા મોટી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની 5 મોટી વાતો:

1. ટ્રાયલ પહેલાની જેલ સજા નથી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “બંધારણીય વ્યવસ્થામાં અનુચ્છેદ 21 ખાસ સ્થાન ધરાવે છે. કેસ ચાલતા પહેલા(Pre-trial) જેલમાં રાખવાને સજા માની શકાય નહીં. કોઈપણ વ્યક્તિને તેની સ્વતંત્રતાથી વંચિત રાખવો એ મનસ્વી ન હોવું જોઈએ.’

2. UAPA અને જામીન

અદાલતે નોંધ્યું કે UAPA એક ખાસ કાયદો છે, પરંતુ તે જામીન આપવાની ન્યાયિક સત્તાને સંપૂર્ણપણે નકારતો નથી. જો ટ્રાયલમાં વધુ પડતો વિલંબ થતો હોય, તો કોર્ટે વ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને ધ્યાને લેવો જ પડે. રાજ્યે લાંબા સમય સુધીની કસ્ટડી માટે યોગ્ય કારણો આપવા પડશે.

3. દરેક આરોપીની ભૂમિકા અલગ

કોર્ટે સ્પષ્ટ કર્યું કે જામીન અરજીઓ પર વિચાર કરતી વખતે રેકોર્ડ પરથી જાણવા મળે છે કે દરેક આરોપીની સ્થિતિ સમાન નથી. અદાલતે દરેક આરોપીની વ્યક્તિગત ભૂમિકાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. બધા સાથે સમાન વ્યવહાર કરવાથી ટ્રાયલ પહેલાની કસ્ટડીને બિનજરૂરી પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો, VIDEO વાઈરલ

4. વિચારધારા નહીં, કાયદો મહત્ત્વનો

ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, અદાલત કોઈ વિચારધારાના આધારે નહીં, પરંતુ કાયદાના શાસનના આધારે કામ કરે છે. ભલે કોઈ ખાસ કાયદો (જેમ કે UAPA) બનાવવામાં આવ્યો હોય, અદાલતો તેને લાગુ કરવા માટે બંધાયેલી છે, પરંતુ તેની સાથે માનવીય અધિકારોનું રક્ષણ પણ એટલું જ જરૂરી છે.

5. ટ્રાયલ ઝડપથી ચલાવવા આદેશ

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચના આપી છે કે આ મામલાને ઝડપથી આગળ ધપાવવો જોઈએ. ખાસ કરીને સુરક્ષિત સાક્ષીઓની તપાસમાં કોઈ વિલંબ ન થવો જોઈએ. આ આદેશ સમયસર ન્યાય સુનિશ્ચિત કરવા માટે છે.

દિલ્હીમાં કેમ થયા હતા રમખાણો?

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 2020માં નાગરિક સુધારા કાયદો (CAA) અને પ્રસ્તાવિત એનઆરસીના વિરોધ વખતે રમખાણો ભડક્યા હતા. જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં આરોપીઓ પર ગંભીર UAPA(ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


2020ના દિલ્હી રમખાણ મામલે 'સુપ્રીમ' ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા 2 - image



Source link

Related Articles

Back to top button