સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો : તિલકવાડા સ્ટેશનનું અપગ્રેડેશન | Major improvement in rail infrastructure on Statue of Unity route: Upgradation of Tilakawada station

![]()
Vadodara : વડોદરા વિભાગના ડભોઈ અને એકતાનગર સ્ટેશનો વચ્ચે આવેલા તિલકવાડા સ્ટેશનને D-ક્લાસ (નોન-બ્લોક)માંથી B-ક્લાસ (બ્લોક) સ્ટેશનમાં અપગ્રેડ કરવાનું કાર્ય પ્રગતિ પર છે. વડોદરા વિભાગમાં સ્થિત એકતાનગર ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પ્રસિદ્ધ છે. હાલમાં વડોદરા અને એકતાનગર વચ્ચે ટ્રેન સંચાલન થાય છે.
એકતાનગર–ચાંદોદ સેક્શન બે બ્લોકમાં વહેંચાતા સુરક્ષા અને ટ્રાફિક સંચાલનમાં સુધારો થશે
તિલકવાડાને B-ક્લાસ સ્ટેશન બનાવવાથી એકતાનગર અને ચાંદોદ વચ્ચેનો હાલનો સિંગલ બ્લોક સેક્શન બે બ્લોક સેક્શન-એકતાનગર-તિલકવાડા અને તિલકવાડા-ચાંદોદમાં વહેંચાઈ જશે. આ ફેરફારથી ચાંદોદ અને એકતાનગર વચ્ચે ટ્રેન સંચાલન ક્ષમતા અને સુરક્ષા વધશે. સેક્શન ક્ષમતા વધવાથી આ માર્ગ પર વધુ ટ્રેનો ચલાવવાનો માર્ગ મોકળો થશે. ભવિષ્યમાં ટ્રેનોની સંખ્યા વધતા તિલકવાડા એક ફાયદાકારક ઓપરેશનલ પોઇન્ટ તરીકે કામ કરશે. આથી ટ્રેન રેગ્યુલેશન અને ઓપરેશનલ પ્રક્રિયામાં સુધારો થશે. એકતાનગરથી શરૂ થતી ટ્રેનો માટે લાઇન ક્લિયર માટે રોકાણ કરવું પડશે નહીં.
લૂપ લાઇન, આધુનિક સિગ્નલિંગ અને ઇન્ટરલોકિંગથી રેલવે સંચાલન વધુ અસરકારક બનશે
તિલકવાડા સ્ટેશન પર એક લૂપ લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી લાઇન ક્ષમતા વધશે. આ લૂપ લાઇન અથવા સાઇડિંગની મદદથી એક ટ્રેનને રોકીને બીજી ટ્રેનને સરળતાથી ક્રોસઓવર આપી શકાશે. B-ક્લાસ સ્ટેશન બનવા પર તિલકવાડામાં હોમ/સ્ટાર્ટર સિગ્નલ, પોઇન્ટ્સ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપિત થશે. પોઇન્ટ્સ અને સિગ્નલના સુરક્ષિત સંચાલન માટે ઇન્ટરલોકિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે.
FOB, વેઇટિંગ રૂમ અને હાઇ લેવલ પ્લેટફોર્મથી મુસાફરી સુરક્ષિત બનશે
B-ક્લાસ સ્ટેશન બનવાથી તિલકવાડા સ્ટેશન પર પ્રવાસી સુવિધાઓમાં વધારો થશે. પ્રવાસીઓને ફૂટ ઓવર બ્રિજ (FOB), વેઇટિંગ રૂમ અને ટિકિટ કાઉન્ટર જેવી સુવિધાઓ મળશે. સ્ટેશન પર હાઇ-લેવલ પ્લેટફોર્મનું નિર્માણ ચાલુ છે, જેથી પ્રવાસીઓને ટ્રેનમાં ચઢવા-ઊતરવામાં વધુ સુરક્ષા અને સગવડ મળશે.
અપગ્રેડેશન પહેલાં, તિલકવાડા સ્ટેશન D-ક્લાસ (ફ્લેગ સ્ટેશન) હતું. તેમાં માત્ર એક પ્લેટફોર્મ અને મૂળભૂત સુવિધાઓ જ હતી. ફ્લેગ સ્ટેશન હોવાને કારણે ત્યાં કોઈ સિગ્નલ સિસ્ટમ ન હતી અને ઓપરેશન માટે કોઈ રેલવે કર્મચારી પણ ન હતા.



