गुजरात

ખંઢેરા પાસે એસ.ટી. બસ પલ્ટી ખાઇ જતાં 20 મુસાફરોને ઇજા | 20 passengers injured as ST bus overturns near Khandhera



જામનગર-રાજકોટ હાઇ-વે મુસાફરોની ચીસોથી ગુંજ્યો

જૂનાગઢ-કાલાવડ રૂટની બસને નડેલાં અકસ્માતમાં ડ્રાઇવર, કન્ડક્ટર પણ ઘાયલ, પાંચ મુસાફરોને ગંભીર ઇજા થતા જામનગર ખસેડાયા

જામનગર: કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે ગઇકાલે રાત્રે એક એસ.ટી. બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા ચાલીસ મુસાફરો પૈકી ૨૦ મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી. અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. જે પૈકી પાંચ મુસાફરોને વધુ ઇજા થઇ હોવાથી સારવાર માટે જામનગર રીફર કરાયા છે. પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જૂનાગઢ કાલાવડ રૂટની જી.જે.૧૮ ઝેડ.ટી.૧૫૯૭ નંબરની એસટી બસ જૂનાગઢ તરફથી પરત ફરીને કાલાવડ તરફ આવી રહી હતી. જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર કાલાવડ નજીક ખંઢેરા ગામના પાટીયા પાસે એસટી બસના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગઇ હતી.અકસ્માતને લઇને બસમાં બેઠેલાં ૪૦ જેટલાં મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો. આ બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્યનો પોલીસ સ્ટાફ, તથા ૧૦૮ની ટુકડી અને કેટલાક અન્ય સામાજિક કાર્યકરો વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્તોને સારવારમાં પહોંચાડવા માટે મદદ કરી હતી.

કુલ ૨૦ મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી, અને તેઓને સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક મહિલાને એક બાળક સહિત પાંચ મુસાફરોને વધુ ઇજા થઇ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતના બનાવ અંગે એસટી બસમાં મુસાફરી કરી રહેલાં કાલાવડના શીતલા કોલોનીમાં રહેતા પાયલબા ઘોઘુભા જાડેજાએ એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે એસટી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એસટી બસના ચાલક અને કંડક્ટરને પણ ઇજા થઇ હોવાથી તેઓને સારવાર અપાઇ રહી છે.



Source link

Related Articles

Back to top button