નડિયાદના વાલ્લા ગામની શેઢી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા 3 વાહનો ઝડપાયા, ચાલકો ફરાર | 3 vehicles caught illegally mining sand in Shedhi riverbed of Walla village Nadiad

![]()
– ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકતા ખનીજ માફિયાઓમાં ફફડાટ
– સ્થાનિક ખાણ ખનીજ વિભાગની કામગીરી પર શંકા : એક કરોડની મત્તા જપ્ત કરી વાહનોના માલિક કોણ છે ?, પરવાનગી વગર રેતી ખનન કરીને કોને પહોંચાડવામાં આવી રહી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી
નડિયાદ : ખેડા જિલ્લામાં ગેરકાયદે રેતી અને માટીના ખનનની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડે નડિયાદ તાલુકાના વાલ્લા ગામ નજીકથી પસાર થતી શેઢી નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતા એક જેસીબી અને બે ડમ્ફર મળી કુલ રૂપિયા એક કરોડથી વધુની રકમના વાહન-સાધનો કબજે કર્યા હતા. જ્યારે રેતી ખનન કરી ક્યાં લઈ જવામાં આવતી હતી અને ઝડપાયેલા વાહનોના માલિક કોણ છે ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદ તાલુકાના વાલ્લા ગામ નજીકથી શેઢી નદી પસાર થાય છે. આ નદીમાં છેલ્લા ઘણાં સમયથી બેરોકટોક ખનીજ માફિયાઓ નદીના પટમાંથી રેતીનું ખનન કરી રહ્યાં હતા. ખાણ ખનીજ વિભાગના સત્તાધીશો ગેરકાયદે ચાલતી રેતી ખનનની પ્રવૃત્તિ પ્રત્યે આંખ મીંચામણાં કરવામાં આવતા હોય તેમ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા. આ અંગેની જાણ થતા ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ વાલ્લા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીમાં ત્રાટકતા નદીના પટમાં રેતીનું ખનન કરતું જેસીબી અને બે ડમ્ફરના ચાલકો પોતાના વાહનો મૂકી નાસી ગયા હતા.
આ વાહનો લઈને નાસવા જતા ડમ્ફર રોડની સાઈડમાં આવેલી રેલીંગ તોડી વીજ કંપનીના થાંભલા સાથે અથડાયું હતું. જેથી વીજળીના થાંભલાને ભારે નુકસાન થયું હતું. આ અંગેની જાણ થતા વીજ કંપની દ્વારા વીજળીના થાંભલાને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડે રેતી ખનન કરતા વાહનો-સાધનો સહિતનો રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેના માલિકો કોણ છે ? અને આ રેતી ખનન કરી કોને પહોંચાડવામાં આવતી હતી અને તેમજ કોના પીઠબળ સાથે ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર રેતી ખનન કરવામાં આવતું હતું. તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



