પ્રમુખ ટ્રમ્પની વેલફેર લિસ્ટમાં પાક., બાંગ્લાદેશ સામેલ પણ ભારત નહીં | President Trump’s welfare list includes Pakistan Bangladesh but not India

![]()
ટ્રમ્પે સરકારી સહાય મેળવતા વસાહતીઓના દેશોની યાદી જાહેર કરી
અમેરિકામાં રહેતા એશિયન વસાહતીઓમાં ભારત બીજા ક્રમે ભારતીયો સરકારી સહાય પર નિર્ભર નહીં હોવાના સંકેત
(પીટીઆઈ) વોશિંગ્ટન: વેનેઝુએલા પર અમેરિકાના આક્રમણથી દુનિયાભરમાં તંગદિલી છે તેવા સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રવિવારે એવા ૧૨૦ દેશોની યાદી જાહેર કરી છે, જેના વસાહતીઓ અમેરિકન સરકારની મદદ અથવા સહાય મેળવે છે. આ યાદીમાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોના નામ સામેલ છે, પરંતુ ભારતનું નામ નથી. આ પોસ્ટ મારફત ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકામાં ભારતીય વસાહતીઓને અમેરિકન સરકાર તરફથી કોઈ સહાય અપાતી નથી. આ સાથે પ્રમુખ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ભારતીય વસાહતીઓ અમેરિકામાં સરકારી સહાય પર નિર્ભર નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ‘ઈમિગ્રન્ટ વેલ્ફેર રેસિપિઅન્ટ રેટ્સ બાય ઓરિજિન’ મથાળા હેઠળ ૧૨૦ દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સામેલ દેશના ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં સરકારી સહાય મેળવે છે. જોકે, આ યાદીમાં ભારતનું નામ નથી. આ યાદીમાં ઈમિગ્રન્ટ્સના જન્મ દેશ અને સહાય મેળવતા ઈમિગ્રન્ટ પરિવારોની ટકાવારી દર્શાવે છે. આ યાદીમાં દર્શાવાયું છે કે કયા દેશના કેટલાક વસાહતીઓને અમેરિકન સરકાર તરફથી કેટલા ટકા સહાય કરવામાં આવી રહી છે.
ટ્રમ્પે જાહેર કરેલા ચાર્ટ મુજબ બાંગ્લાદેશના ૫૪.૮ ટકા વસાહતીઓને અમેરિકન સરકાર તરફથી સહાય કરવામાં આવી રહી છે. આ સિવાય પાકિસ્તાનના ૪૦.૨ ટકા, નેપાળના ૩૪.૮ ટકા અને ચીનના ૩૨.૯ ટકા લોકોને અમેરિકા સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. ઈઝરાયેલને ૨૫ ટકા જ્યારે યુક્રેનના ૪૨ ટકા વસાહતીઓને વિવિધ સહાય મળે છે. પ્રમુખ ટ્રમ્પની યાદી મુજબ અમેરિકન સહાય મેળવતા વસાહતીઓમાં ભૂતાન ૮૧.૪ ટકા સાથે ટોચના ક્રમે છે જ્યારે બર્મ્યુડા ૨૫.૫ ટકા સાથે સૌથી નીચલા ક્રમે છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા એશિયન વસાહતીઓમાં ભારતનું નામ બીજા ક્રમે છે. આંકડા મુજબ અમેરિકામાં રહેતા કુલ એશિયન વસાહતીઓમાં ૨૧ ટકા ભારતીય છે. ૨૦૨૩માં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોની મીડિયન વાર્ષિક આવક ૧,૫૧,૨૦૦ ડોલર હતી. અમેરિકામાં જ પેદા થયેલા ભારતીય મૂળના લોકો કરતા ભારતથી આવીને વસેલા વસાહતીઓની આવક વધુ છે. અમેરિકામાં રહેતા એશિયન લોકોની સરેરાશ વાર્ષિક આવક ૫૨,૪૦૦ ડોલર હતી જ્યારે ભારતીયોની આવક ૮૫,૩૦૦ હતી.



