गुजरात

સુરત પાલિકાની શાળામાં બજારનું વાતાવરણ ઊભું કરાયું: વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર | A unique effort was made to provide market information in Surat Municipal Corporation schools


સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના એક પાઠ અંતર્ગત બજારની માહિતી આપવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો. જેમાં શાળા કેમ્પસમાં જ બજાર ઉભા કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ જ દુકાનદાર બન્યા હતા અને વિદ્યાર્થીઓ જ ગ્રાહક બન્યા હતા. આ પ્રયોગ થકી વિદ્યાર્થીઓને બજારમાં થતા ખરીદ વેચાણ સાથે વિદ્યાર્થીઓએ વ્યવહારિક રીતે નફો–નુકસાન, પૈસાની ગણતરી, લેવડ–દેવડ અને બજાર વ્યવહારના  પાઠ ભણાવ્યા હતા. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદો માટે જાણીતી છે પરંતુ કેટલાક શિક્ષકો આ વિવાદોથી પર રહીને સાચા અર્થમાં બાળકોનું ઘડતર કરી રહ્યાં છે. સુરત શિક્ષણ સમિતિની શાળાઓ પૈકી પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં શાળા ક્રમાંક 55 માં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકના પાઠ વ્યવહારુ જીવનમાં કામ લાગે તે માટે નો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધોરણ સાત માં સામાજિક વિજ્ઞાન વિષયમાં 19 નંબરનો પાઠ બજાર છે તેમાં બજારના વિવિધ પ્રકારો સાપ્તાહિક બજાર ગુજરી બજાર ઓનલાઇન બજાર વગેરે નો ઉલ્લેખ કરાયો છે. આ પાઠ શાળાના વર્ગખંડ માં ભણાવવા સાથે બાળકોને પ્રેક્ટીકલ નોલેજ મળે તે માટે શાળામાં જ બજાર ઉભું કરવામાં આવ્યું હતુ. શાળા કેમ્પસમાં ઉભા કરવામાં આવેલા આ બજારમાં વિદ્યાર્થીઓને જ વેપારીઓ બનાવાયા હતા અને વિદ્યાર્થીઓને જ ગ્રાહક બનાવાયા હતા.

સુરત પાલિકાની શાળામાં બજારનું વાતાવરણ ઊભું કરાયું: વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર 2 - image

બાળકોને શાળામાં ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુસર શાળાના પ્રાંગણમાં સંપૂર્ણ બજારનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ દુકાનદાર અને ગ્રાહક બનીને વિવિધ વસ્તુઓની ખરીદી અને વેચાણ કર્યું હતું.આ પ્રવૃત્તિ દરમિયાન બાળકોને નફો–નુકસાન, પૈસાની ગણતરી, ભાવતાલ, લેવડ–દેવડ અને બજાર વ્યવહારની મૂળભૂત સમજ પ્રાયોગિક રીતે મળી હતી. વિદ્યાર્થીઓએ ખરીદદારને આકર્ષવા માટે ભાવની ગોઠવણી, વેચાણની રીતો અને ગ્રાહક સંતોષ નું મહત્વ પણ શીખવ્યું હતું. 

પાઠ્યપુસ્તકમાં થયેલા બજાર અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. પાઠમાં આવતા સાપ્તાહિક બજાર, ગુજરી બજાર, તેમજ આજના યુગમાં મહત્વ ધરાવતા ઓનલાઇન બજાર જેવા વિવિધ પ્રકારની સમજ બાળકોને જીવંત ઉદાહરણ દ્વારા આપવામાં આવી હતી.પાઠ્યપુસ્તકના જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડતી આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે અત્યંત રસપ્રદ અને શિક્ષણપ્રદ સાબિત થઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. શાળાના શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ નવીન શૈક્ષણિક પદ્ધતિએ બાળકોમાં સર્જનાત્મક વિચાર શક્તિ, વ્યવહાર કુશળતા અને સહકાર ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



Source link

Related Articles

Back to top button