‘જો તાકાત હોય તો આવીને મને પકડીને લઈ જાઓ…’, વ્હાઇટ હાઉસે જાહેર કર્યો માદુરોનો જૂનો વીડિયો | Venezuela latest: America White House releases old video of Maduro

![]()
Venezuela latest: વેનેઝુએલાના રાષ્ટ્ર પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા એક જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં માદુરો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ધરપકડ કરવાનો પડકાર ફેંકી રહ્યા છે. હાલ માદુરોને અમેરિકાની કુખ્યાત જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવ વચ્ચે રિલીઝ થયેલા આ જૂના વીડિયોમાં માદુરો અમેરિકન નેતાની મજાક ઉડાવતા જોવા મળે છે.
માદુરો કુખ્યાત જેલમાં કેદ
વેનેઝુએલામાં ઓપરેશન કરી અમેરિકાએ માદુરોને કેદ કર્યા હતા બાદમાં ન્યૂ યોર્કના બ્રુકલિનમાં એક કુખ્યાત જેલમાં રાખવામાં આવ્યા છે. આ એ જ જેલ છે જ્યાંની સ્થિતિ એટલી ખરાબ હોય છે કે ત્યાં આરોપીઓ જતાં થરથર કાંપે છે. આ જેલમાં આર. કેલી અને સીન ‘ડીડી’ કોમ્બ્સ જેવા કુખ્યાત કેદીઓ પણ રહી ચૂક્યા છે.
અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખને કેદ કર્યા
અમેરિકાની સેનાએ વેનેઝુએલાના સૈન્ય અડ્ડા પર ભીષણ હુમલો કર્યો. જે બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને કેદ કરી લેવાયા. અમેરિકાની સેના તેમને વિશેષ વિમાનમાં ન્યૂયોર્ક લઈ ગઈ. અમેરિકા સતત વેનેઝુએલા પર ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો આતંકવાદનો આરોપ લગાવતું રહ્યું છે. બીજી તરફ વેનેઝુએલાનો આરોપ છે કે અમેરિકાની આ કાર્યવાહી માત્રને માત્ર ક્રૂડ ઓઈલના ખજાના પર કબજો કરવા માટે છે.
ઓપરેશનમાં 150થી વધુ વિમાનો સામેલ
આ મિશનમાં F-22, F-35, F-18 ફાઈટર પ્લેન, B- 1 બોમ્બર્સ અને ડ્રોન સહિત 150 થી વધુ વિમાનો સામેલ હતા. ટ્રમ્પે રાતના 10:46 વાગ્યા (ઈસ્ટર્ન ટાઈમ) મિશનને લીલી ઝંડી આપી હતી. આ પછી રાત્રે 1:01 વાગ્યે (કારાકસ સમય મુજબ 2:01 વાગ્યે), યુએસ ફોર્સ માદુરોના કમ્પાઉન્ડમાં ઉતરી હતી. માદુરો કિલ્લા જેવા એક સુરક્ષિત મહેલમાં હતા ટ્રમ્પે કહ્યું કે, ‘યુએસ સૈનિકોએ આ મહેલની પ્રતિકૃતિ પર મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરી હતી.’
30 મિનિટમાં મિશન પૂરું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે માર-એ-લાગોથી આપેલા નિવેદનમાં કહ્યું કે, ‘જ્યારે ઘટનાને અંજામ આપવમાં આવ્યો ત્યારે કારાકસની લાઈટ બંધ હતી. આ એક ડાર્ક અને ઘાતક મિશન હતું. સૈનિકો પાસે ભારી બ્લોટોર્ચ હતી, જેથી તેઓ સુરક્ષિત રૂમના દરવાજા કાપીને અંદર પ્રવેશી શકે. પરંતુ માદુરોને સુરક્ષિત રૂમ સુધી પહોંચવાનો મોકો મળ્યો ન હતો. 30 મિનિટથી પણ ઓછા સમયમાં માદુરોને પકડી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કારાકસમાં ઓછામાં ઓછા સાત મોટા વિસ્ફોટ સંભળાયા હતા.’
સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત, આંતરરાષ્ટ્રીય કાયદાનો થયો ભંગ
વેનેઝુએલા પર અમેરિકાની કાર્યવાહીનો સંયુક્ત રાષ્ટ્રએ પણ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકાની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આ ખતરનાક ઉદાહરણ પૂરું પાડશે. મહાસચિવના પ્રવક્તા સ્ટેફાન દુજારિકે કહ્યું છે, કે આ સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રીય સ્તરે ગંભીર અને ચિંતાજનક અસરની આશંકા છે. આ પ્રકારના ઘટનાક્રમ એક ખતરનાક ઉદાહરણ ઊભું કરે છે. દુનિયાના તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ. અત્યંત ચિંતાની વાત છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સભ્ય દેશો સામેલ થશે.
વિશ્વમાં વિરોધ, તણાવ ઓછો કરવાની અપીલ
વેનેઝુએલામાં રાતોરાત કરવામાં આવેલા હુમલા બાદ માદુરોની ધરપકડ થઈ હતી અને હાલમાં અમેરિકા વેનેઝુએલાનું શાસન સંભાળશે. અમેરિકાના હુમલાની લેટિન અમેરિકા, યુરોપ, રશિયા અને ચીન સહિત ઘણા દેશોએ આકરી નિંદા કરી છે. આ દેશોએ પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા અને તણાવ ઓછો કરવાની અપીલ કરી છે.
અમેરિકાની કાર્યવાહી ગેરકાયદે: વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટ
વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્સી રોડ્રિગેઝે તાત્કાલિક ધોરણે પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારવાની રહેશે. અમે વેનેઝુએલાના લોકો પર અમેરિકા દ્વારા કરાયેલા હુમલા તથા માદુરો અને તેમની કિડનેપિંગનો વિરોધ કરીએ છીએ. અમેરિકાની આ કાર્યવાહી વેનેઝુએલાના બંધારણ, કાયદા તથા આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે. અમેરિકાનો ઉદ્દેશ્ય વેનેઝુએલાના સંસાધનો પર કબજો કરવાનો છે. દેશની સ્વતંત્રતા અને સંપ્રભુતાની રક્ષા માટે વેનેઝુએલાના લોકો અને તમામ પક્ષોએ એક થઈ જવું જોઈએ.



