વેનેઝુએલામાં અફઘાનિસ્તાન જેવી ભૂલ કરી રહ્યું છે અમેરિકા? વૈશ્વિક તણાવ, હિંસા સહિત 5 મોટા પડકારો | America Will Us Repeat Iraq Afghanistan Mistake In Venezuela Donald Trump Intervention Maduro Arrest

![]()
US Attack On Venezuela : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ વેનેઝુએલામાં મોટી કાર્યવાહી કરી છે. સેનાએ ત્રણ જાન્યુઆરીએ વેનેઝુએલામાં મોટી સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી છે. અમેરિકાએ માદુરોની ધરપકડને ‘નાર્કો-ટેરરિઝમ વિરુદ્ધની નિર્ણાયક કાર્યવાહી’ કહી છે. અમેરિકાએ એવું પણ કહ્યું છે કે, તે અસ્થાયી ધોરણે વેનેઝુએલાનું સંચાલન કરશે, જોકે ઈતિહાસ સાક્ષી છે કે, અમેરિકાએ આવો દાવો અગાઉ પણ કર્યો હતો, જેમાં અમેરિકાvs મોંઘુ પરિણામ ભોગવવું પડ્યું હતું.
અમેરિકાને ભારે પડ્યું અફઘાનિસ્તાન
આપણે વાત કરીએ અફઘાનિસ્તાનની…. તો અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલા પાછળ અલ-કાયદા અને તેના નેતા ઓસામા બિન લાદેનનો હાથ હતો. તે સમયે લાદેન અફઘાનિસ્તાનમાં છુપાયેલો હતો. અમેરિકાએ તાલિબાન પાસે લાદેનની માંગણી કરી, પરંતુ તાલિબાને ના પાડી, પરિણામે અમેરિકાએ લાદેનને પકડવા અને અલ-કાયદાના નેટવર્કને તોડી પાડવા માટે અફઘાનિસ્તાનમાં સેના મોકલી હતી. ત્યારબાદ અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી રહી હતી, જેના કારણે અમેરિકાની ચોતરફ ટીકા થઈ હતી. અમેરિકાએ 20 વર્ષમાં અબજો ડોલરનો ખર્ચ કરી નાખ્યો. એટલું જ નહીં અમેરિકાએ 2312 સૈનિકો પણ ગુમાવવા પડ્યા હતા. હવે માદુરો (Nicolas Maduro)ની ધરપકડ કરનાર અમેરિકાએ અફઘાનિસ્તાન જેવી ભૂલ કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
ઈરાક-અફઘાનના કારણે અમેરિકાએ મોટું નુકસાન વેઠ્યું
અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાનમાં ‘રેજીમ ચેન્જ’ કરવાના નામે અમેરિકન સેના ઉતારી હતી. તેણે અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી સેના રાખી જ્યારે ઈરાક સાથે પણ ઘર્ષણ કર્યું, જેના કારણે અમેરિકાને ટ્રિલિયન્સ ડૉલરનો ખર્ચ થયો હતો. છેવટે અમેરિકાએ દેશને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવાનો હેતુ પાર પાડ્યા વગર પાછા ફરવું પડ્યું હતું. હવે વેનેઝુએલા પ્રત્યે ટ્રમ્પ (US President Donald Trump)નું વલણ ઈરાક-અફઘાન જેવું જ દેખાઈ રહ્યું છે. અમેરિકાએ વેનેઝુએલામાં સૈન્ય તાકાત બતાવી દીધી, પરંતુ તેમની પાસે એક્ઝિટ કરવાની રણનીતિ નથી.
અમેરિકાએ ઈરાક પર કરેલી શંકા ખોટી પડી
અમેરિકાને શંકા હતી કે, ઈરાક પરમાણુ, રાસાયણિક અને જૈવિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે, જેના કારણે તેણે ‘સામૂહિક વિનાશના હથિયારો’ના નામે 2003માં ઈરાક પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ ઈરાક પર કરેલો આક્ષેપ ખોટો પડ્યો હતો. પરિણામે ઘર્ષણમાં અમેરિકાના 4500થી વધુ સૈનિકોના મોત થયા હતા. આ ઉપરાંત બે ટ્રિલિયન ડૉલરનો ખર્ચ થયો હતો. એટલું જ નહીં ISIS જેવા સંગઠનો પણ વધ્યા. જ્યારે અફઘાનિસ્તાનમાં 20 વર્ષ યુદ્ધ ચાલ્યું અને છેવટે અમેરિકાએ 2021માં સૈનિકો પરત બોલાવ્યા પડ્યા. ત્યારબાદ અફઘાનમાં તાલિબાન સત્તા પર આવી ગયું. આમ ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકાની સ્થિતિ પરથી નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ટેન્શનમાં, શરૂ કરી કાર્યવાહી
વેનેઝુએલામાં પણ અફઘાનિસ્તાન જેવી ભૂલ !
નિષ્ણાતોનું માનવું છે કે, વેનેઝુએલાની સ્થિતિ ઈરાક-અફઘાનિસ્તાનથી જુદી દેખાઈ રહી છે, પરંતુ જોખમ તેટલું જ ઊંડુ છે. માદુરોને હટાવ્યા બાદ સત્તા ખાલી રહેશે, જેના કારણે ચાવેજ સમર્થકના જૂથો, ગોરિલ્લા સંગઠનો અને લોકલ મિલિશિયા સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આમ પણ લેટિન અમેરિકામાં અમેરિકાની ચંચુપાતનો ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. આવી સ્થિતિમાં વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી અસ્થિરતા વધી શકે છે.
અમેરિકા જો વેનેઝુએલામાં હસ્તક્ષેપ કરે તો જે પાંચ પડકારોનો સામનો કરવો પડી શકે છે
1… રાજકીય શૂન્યાવકાશ અને હિંસા : જ્યારે કોઈ સ્થાપિત સરકાર અચાનક હટી જાય છે, ત્યારે સત્તાનો ખાલીપો સર્જાય છે. આ સ્થિતિમાં સ્થાનિક સશસ્ત્ર જૂથો સક્રિય થઈ શકે છે, જે લાંબા સમય સુધી ગેરિલા યુદ્ધ અને હિંસા ફેલાવી દેશને અસ્થિર કરી શકે છે.
2… પાડોશી દેશોનો રાજદ્વારી વિરોધ : બ્રાઝિલ, કોલંબિયા અને ક્યુબા જેવા દક્ષિણ અમેરિકાના દેશો આ પ્રદેશમાં અમેરિકાના સીધા હસ્તક્ષેપને પોતાની સાર્વભૌમત્વ માટે ખતરો માની શકે છે. આનાથી અમેરિકાના આ દેશો સાથેના સંબંધો બગડી શકે છે અને રાજદ્વારી તણાવ વધી શકે છે.
3… રશિયા અને ચીનની પરોક્ષ પ્રતિક્રિયા : વેનેઝુએલામાં રશિયા અને ચીનનું મોટું આર્થિક હિત રહેલું છે. અમેરિકાના પગલાના જવાબમાં આ બંને દેશો વેનેઝુએલાને આડકતરી રીતે મદદ કરી શકે છે, જે વૈશ્વિક સ્તરે અમેરિકા માટે નવા પડકારો ઉભા કરી શકે છે.
4… ખરાબ ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન : વેનેઝુએલામાં તેલનો મોટો ભંડાર હોવા છતાં ત્યાંનું માળખું અત્યંત જર્જરિત છે. તેને ફરી બેઠું કરવા માટે અબજો ડોલરના રોકાણ અને વર્ષોના સમયની જરૂર પડશે, જે તાત્કાલિક આર્થિક ફાયદો મેળવવા માંગતા અમેરિકા માટે મોટો પડકાર છે.
5… સૈન્ય પર હુમલાનું જોખમ : અફઘાનિસ્તાન અને Rરાકની જેમ, જો અમેરિકી સેના વેનેઝુએલામાં લાંબો સમય રોકાય, તો સ્થાનિક બળવાખોરો દ્વારા તેમના પર સતત હુમલા થવાનું જોખમ રહે છે. આનાથી અમેરિકાને જાન-માલનું ભારે નુકસાન થઈ શકે છે અને ઘરેલુ સ્તરે વિરોધ વધી શકે છે.
આ પણ વાંચો : વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકાના ટાર્ગેટ પર વધુ પાંચ દેશો



