गुजरात

ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક ‘ફરાર’ મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો | Ahmedabad News Dholka Bagodara Highway Luxury Bus Accident Driver Dead Body


Ahmedabad News: ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે 6 દિવસ અગાઉ બનેલી લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં એક કરૂણ અને વિચિત્ર વળાંક આવ્યો છે. અકસ્માત બાદ જે બસ ચાલક ડરના માર્યો ભાગી ગયો હોવાનું પોલીસ અને બસ માલિક માની રહ્યા હતા, તેનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

6 દિવસ પહેલા ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ હતી. ઘટના સમયે પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નહોતું. બસને ક્રેનની મદદથી બહાર કાઢી લેવામાં આવી હતી. જોકે, અકસ્માત બાદ બસનો ચાલક ક્યાંય દેખાયો નહોતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક 'ફરાર' મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો 2 - image

પોલીસ અને માલિકને લાગ્યું ‘ડ્રાઈવર ભાગી ગયો’

કોઠ પોલીસ સ્ટેશનમાં જ્યારે હોસ્પિટલમાંથી ઈજાગ્રસ્તોની વર્ધી આવી, ત્યારે પોલીસે બસ માલિકની પૂછપરછ કરી હતી. ડ્રાઈવરનો પતો ન લાગતા પોલીસ અને બસ માલિકને એમ લાગ્યું કે અકસ્માત બાદ પોલીસ કાર્યવાહીના ડરથી ચાલક ભાગી ગયો હશે. સતત છ દિવસ સુધી તેનો સંપર્ક કરવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ ફોન બંધ હોવાથી કોઈ કડી મળી નહોતી.

6 દિવસ બાદ ખેતરમાંથી મળ્યો મૃતદેહ

આજે રવિવારે જ્યારે સ્થાનિક ખેડૂતો વાલથેરા પાસેના ખેતરમાં ડાંગરનું ધરુ લેવા માટે ગયા હતા, ત્યારે તેમને ખેતરમાં એક અજાણ્યો મૃતદેહ જોવા મળ્યો હતો. ખેડૂતોએ તાત્કાલિક કોઠ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ બીજો કોઈ નહીં પણ અકસ્માતગ્રસ્ત બસનો જ ચાલક હતો.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત વખતે ચાલકને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હશે અથવા પલટી ખાતી વખતે તે ફંગોળાઈને દૂર ખેતરમાં જઈ પડ્યો હશે, જ્યાં કોઈની નજર ન પડતા સારવારના અભાવે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક 'ફરાર' મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો 3 - image

પોલીસ કાર્યવાહી

કોઠ પોલીસે મૃતદેહને કબજે કરી પંચનામું કર્યું છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button