વડોદરામાં પોલીસના જુઠાણાનો પર્દાફાશ?: નંબર પ્લેટ વગરના બાઈક મુદ્દે યુવકને જાનવરની જેમ ફટકાર્યો, CCTVએ પોલ ખોલી | Police in Vadodara beat up young man over bike without number plate CCTV footage revealed

Vadodara News : સંસ્કારી નગરી વડોદરામાં ખાખીને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડીફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ વગરના બાઈક મામલે ટ્રાફિક પોલીસે એક યુવક પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપો થયા છે. નવાઈની વાત એ છે કે, જે પોલીસ યુવકને માર મારવાનો ઈનકાર કરી રહી હતી, પરંતુ તેમના જ જાહેર કરેલા CCTV ફુટેજમાં પોલીસનું જુઠાણું પકડાઈ ગયું છે.

ત્રણ પ્રેસ કોન્ફરન્સ, પણ સત્ય છુપાવવામાં નિષ્ફળ
આ મામલે વડોદરા પોલીસે ખુદને બચાવવા માટે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બે એસીપી (ACP) અને એક ડીસીપી (DCP)એ ખુલાસા કર્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે યુવક સામે માત્ર બળપ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પોતે જ જાહેર કરેલા CCTV અને બોડીવોર્ન કેમેરાના ફુટેજમાં દ્રશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.
અમાનવીય અત્યાચારના આક્ષેપો: “પ્રાઇવેટ પાર્ટ પર પણ માર માર્યો”
માંજલપુરનો 30 વર્ષીય યુવક કૌશલ જાટ બુલેટ લઈને દાંડિયા બજાર પાસેથી પસાર થતો હતો ત્યારે આ વિવાદ થયો હતો. યુવકના આક્ષેપ મુજબ,
પોલીસે તેને પોલીસ વેનમાં બેસાડી ઢોર માર માર્યો.
સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ACP અને અન્ય કોન્સ્ટેબલોએ જાનવરની જેમ દંડા ફટકાર્યા હતા.
જમીન પર સુવડાવી, છાતી પર ચઢીને તેના ગુપ્ત ભાગો (Private Parts) પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી.
હાલમાં યુવક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના શરીર પર મારના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
પોલીસનો બચાવ: “યુવકે કોલર પકડ્યો હતો”
બીજી તરફ, ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, યુવક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો હતો અને કાર્યવાહી દરમિયાન તેણે પોલીસકર્મીનો કોલર પકડી લીધો હતો. પોલીસના મતે, યુવક ઉગ્ર બનતા તેને અંકુશમાં લેવા માટે “બે દંડા માર્યા હશે”. પોલીસે ઉલટાનું યુવક સામે જ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી દીધો છે.
ઉઠતા સવાલો: રાવપુરાની હદ તો ટ્રાફિક પોલીસ કેમ લઈ ગઈ?
આ સમગ્ર મામલે હવે પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે:
1- જો ગુનો રાવપુરા પોલીસ મથકની હદમાં બન્યો હતો, તો ટ્રાફિક પોલીસ યુવકને જબરદસ્તી પોતાની ઓફિસે કેમ લઈ ગઈ?
2- CCTVમાં પોલીસ સ્પષ્ટપણે માર મારતી દેખાય છે, તો પછી ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સમાં ખોટું કેમ બોલ્યા?
3- સામાન્ય ટ્રાફિક નિયમ ભંગ બદલ શું કોઈ નાગરિક પર આટલો અત્યાચાર ગુજારવો વ્યાજબી છે?
પરિવારનો રોષ:
ઇજાગ્રસ્ત કૌશલના પરિવારે આ મામલે અત્યાચાર ગુજારનાર તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.



