હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં | himalaya snow drought kedarnath badrinath no snowfall

IMD Snowfall Alert: ડિસેમ્બર મહિનો હવે પૂર્ણતાના આરે છે અને નવા વર્ષના આગમનને આડે ગણતરીના કલાકો બાકી છે, તેમ છતાં ઉત્તરાખંડના પહાડો હજુ પણ બરફવગર વેરાન લાગે છે. સામાન્ય રીતે આ સમયે કેદારનાથ અને બદ્રીનાથ ધામ 5થી 8 ફૂટ બરફથી ઢંકાયેલા હોય છે, પરંતુ આ વર્ષે કુદરત કંઈક અનોખો જ મિજાજ જોવા મળી રહ્યો છે.
પર્યટકો અને વેપારીઓમાં નિરાશા
ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ ઔલી અને ચંબામાં દર વર્ષે આ સમયે સ્નો-ફૉલનો આનંદ લેવા પર્યટકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા છે, પરંતુ બરફ ન હોવાને કારણે તેમના ચહેરા પર માયૂસી જોવા મળી રહી છે. માત્ર પર્યટકો જ નહીં, સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતામાં છે, કારણ કે બરફવર્ષા ન થવાને કારણે બાગાયતી ખેતી પર જોખમ તોળાઈ રહ્યું છે.
બરફ ન પડવાનું કારણ શું?
હવામાન નિષ્ણાત પ્રોફેસર ડૉ. ચંદ્રમોહનના જણાવ્યા અનુસાર, આ વર્ષે ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ સતત નબળું રહ્યું છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય છે, ત્યારે જ પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડે છે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કોલ્ડવેવ, ધુમ્મસ અને ઝાકળનું પ્રમાણ પણ નહિવત રહ્યું છે, જેના કારણે ઠંડીએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું નથી.
શું આ ‘ક્લાયમેટ ચેન્જ’ છે?
હિમાલયના બદલાતા સ્વરૂપ અને બરફની અછતને લઈને નિષ્ણાતોમાં મુખ્યત્વે બે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. એકતરફ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (અમદાવાદ)ના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. એમ.એમ. કિમોઠી આ સ્થિતિને ક્લાયમેટ ચેન્જના ગંભીર સંકેત તરીકે જુએ છે; તેઓ જણાવે છે કે બદ્રીનાથમાં હવે એવી નવી વનસ્પતિઓ જોવા મળી રહી છે જે અગાઉ ક્યારેય ઉગતી નહોતી અને હિમાલયની ‘ટ્રી-લાઇન’ પણ સતત ઉપર તરફ ખસી રહી છે, જે ચિંતાજનક ફેરફાર છે.
બીજી તરફ, દેહરાદૂન હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. સી.એસ. તોમર આ પરિસ્થિતિને એક સામાન્ય પ્રક્રિયા ગણાવે છે. તેમનું માનવું છે કે ઉત્તરાખંડમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિના હંમેશા શુષ્ક રહ્યા છે અને ભૂતકાળમાં પણ વર્ષ 2020 અને 2023માં આ સમયગાળા દરમિયાન હિમવર્ષા નહોતી થઈ, પરંતુ ત્યારબાદ જાન્યુઆરીમાં ભારે હિમપાત નોંધાયો હતો.
31 ડિસેમ્બરથી પલટાશે હવામાન: પ્રવાસીઓ અને સ્થાનિકોમાં જાગી આશા
હવામાન વિભાગે નવા વર્ષ નિમિત્તે એક રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ થવા જઈ રહ્યું છે, જે લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલા હિમવર્ષાના દુષ્કાળનો અંત લાવી શકે છે. આ સિસ્ટમની અસરને લીધે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ જેવા જિલ્લાઓમાં 3200 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની પ્રબળ શક્યતા છે.
માત્ર પહાડો જ નહીં, પરંતુ મેદાની વિસ્તારો જેવા કે હરિયાણા અને દિલ્હી-NCRમાં પણ 2 જાન્યુઆરી પછી કાતિલ ઠંડી, શીતલહેર અને ગાઢ ધુમ્મસ સાથે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે. હવામાનમાં આવનારા આ પલટાને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફરી આશા જાગી છે કે નવા વર્ષનું આગમન બરફની મનોહર સફેદ ચાદર સાથે થશે.



