વેનેઝુએલામાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર, સરકારે કહ્યું – એલર્ટ રહેવું | India Warns Citizens Against Non Essential Travel to Venezuela Amid Crisis

India Advisory after Venezuela Attack news : અમેરિકા દ્વારા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ ઉત્પન્ન થયેલી તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે શનિવારે રાત્રે પોતાના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને વેનેઝુએલાની બિનજરૂરી મુસાફરી ટાળવા અને ત્યાં હાજર નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા જણાવ્યું છે.

વિદેશ મંત્રાલયની કડક સલાહ
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને વેનેઝુએલાની તમામ બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સખત સલાહ આપવામાં આવે છે. જે ભારતીયો કોઈપણ કારણોસર વેનેઝુએલામાં છે, તેમને અત્યંત સાવચેતી રાખવા, પોતાની ગતિવિધિઓને મર્યાદિત કરવા અને કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.” મંત્રાલયે ભારતીયોને દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરી છે. હાલમાં વેનેઝુએલામાં લગભગ 50 બિન-નિવાસી ભારતીયો (NRIs) અને 30 ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) છે.
કોણ છે નિકોલસ માદુરો? બસ ડ્રાઈવરથી પ્રમુખ સુધીની સફર
23 નવેમ્બર 1962ના રોજ જન્મેલા નિકોલસ માદુરો એક સમયે બસ ડ્રાઈવર તરીકે પોતાનું જીવનનિર્વાહ કરતા હતા. 1992માં તત્કાલીન લશ્કરી અધિકારી હ્યુગો શાવેઝના નેતૃત્વમાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને શાવેઝના નજીકના સહયોગી બની ગયા. શાવેઝના શાસનકાળમાં માદુરો નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અને વિદેશ મંત્રી પણ બન્યા. શાવેઝે પોતાના નિધન પહેલા માદુરોને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા અને 2013માં શાવેઝના નિધન બાદ માદુરો ચૂંટણી જીતીને વેનેઝુએલાના પ્રમુખ બન્યા.
વિવાદો અને આર્થિક સંકટથી ઘેરાયેલું શાસન
માદુરોના શાસનકાળમાં દેશ ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયો અને મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ. તેમના શાસનને ચૂંટણીમાં ગેરરીતિ, ખાદ્ય સંકટ અને માનવાધિકારોના હનન માટે પણ ઓળખવામાં આવે છે. તેમણે 2014 અને 2017માં સરકાર વિરુદ્ધના આંદોલનોને નિર્દયતાથી કચડી નાખ્યા હતા. જાન્યુઆરી 2025માં થયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં તેઓ ત્રીજી વખત દેશના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.


