અછોડાતોડોની હિંમત વધી,અકોટામાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવી અછોડાની લૂંટ | A robber disguised as a food delivery boy in Akota robbed a chain and fled

![]()
વડોદરાઃ અકોટા વિસ્તારની સોસાયટીમાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં ત્રાટકેલો લૂંટારો એક સિનિયર સિટિઝનનો અછોડો લૂંટીને ફરાર થઇ જતાં પોલીસે તેની તપાસ હાથ ધરી છે.
અકોટાના રાધાકૃષ્ણ પાર્કમાં રહેતા ૭૪ વર્ષીય હસમુખભાઇ જયરામભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,આજે બપોરે ચારેક વાગે હું અને મારા પત્ની ઘરમાં હતા ત્યારે સફેદ સ્કૂટર પર કેસરી જેકેટ અને હેલમેટ પહેરેલ એક ફૂડ ડિલિવરી બોયે બૂમ પાડીને મને બહાર બોલાવ્યો હતો.
ફૂડ ડિલિવરી બોયે મને પાર્સલ આવ્યું છે તેમ કહ્યું હતું.જેથી મેં પાર્સલ મંગાવ્યું નથી તેવો જવાબ આપ્યો હતો.આમ છતાં ડિલિવરી બોયે પાર્સલ લેવાનો આગ્રહ રાખ્યો હતો અને નાનું પાર્સલ બતાવી જુઓ તમારું નામ લખેલું છે..તેમ કહી સહી કરવા માટે કહ્યું હતું.
હું તેના હાથમાંથી પાર્સલ જોવા માટે લઉં ત્યાંજ તેણે તરાપ મારીને મારા ગળામાંથી એક તોલાનો અછોડો તોડી લીધો હતો.અમે કાંઇ સમજીએ તે પહેલાં તો તે અદ્શ્ય થઇ ગયો હતો.બનાવની જાણ થતાં અકોટાના પીઆઇએ સીસીટીવી ફૂટેજ મેળવવા બે ટીમો બનાવી છે.આ પૈકી એક ટીમ ભરૃચ તરફ રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.



