છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બનાવા માંગ | People left the bridge open after six months of construction work: Demand

![]()
જર્જરિત બ્રિજ સરકારી ચોપડે ‘બંધ’ પણ વાહનોની અવરજવર ‘શરૃ’
જોખમી મુસાફરી – ધ્રાંગધ્રા-કુડા રોડ પરનો બિસ્માર ડાયવર્ઝન અને તંત્રની ઉદાસીનતાથી પ્રજા પરેશાન
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા તાલુકાના કુડા તરફ જતો મુખ્ય બ્રિજ વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ બની ગયો છે. છ મહિના પૂર્વે આ બ્રિજને અતિ જર્જરિત જાહેર કરી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમયની હાલાકીથી કંટાળીને આખરે ગ્રામજનોએ જીવના જોખમે આ બ્રિજને ફરીથી ખુલ્લો કરી દીધો છે. હાલમાં આ બ્રિજ સરકારી કાગળો પર તો બંધ છે, પરંતુ વાસ્તવિકતામાં અહીંથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પસાર થઈ રહ્યા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.
તંત્ર દ્વારા બ્રિજના વિકલ્પ તરીકે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તેની હાલત અત્યંત દયનીય છે. કાદવ-કીચડ અને મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો આ રસ્તેથી પસાર થવા તૈયાર નથી. છેલ્લા છ મહિનાથી કુડા સહિત આસપાસના આઠથી વધુ ગામોના ગ્રામજનો, દૂધ ઉત્પાદકો અને નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. ચોંકાવનારી વાત એ છે કે આટલો લાંબો સમય વીતવા છતાં તંત્રએ બ્રિજના રિપેરિંગ કે નવા બાંધકામ અંગે એક પણ ડગલું ભર્યું નથી.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જર્જરિત બ્રિજ પરથી થતી અવરજવરને કારણે કોઈ ગંભીર જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ગ્રામજનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને વહેલી તકે આધુનિક તેમજ સુરક્ષિત બ્રિજનું નિર્માણ કાર્ય શરૃ કરે, જેથી પ્રજાના માથે લટકતી આ જોખમની તલવાર દૂર થાય.



