બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય ત્રાસ જીવતા સળગાવાયેલા હિન્દુનું મૃત્યુ | Hindu dies after being burned alive in Bangladesh amid unbearable torture on Hindus

![]()
– ટોળાએ પેટ્રોલ છાંટી સળગાવ્યો, બચવા તળાવમાં કૂદ્યો હતો
– ભિક્ષા માગી ગુજરાન ચલાવી રહેલા વધુ એક હિન્દુને ઢોર માર મરાયો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
– 20 દિવસમાં પાંચ હિન્દુઓની ક્રૂરતાપૂર્વક હત્યા છતાં ગુનેગારો સામે કોઇ નક્કર પગલાં નહીં, લઘુમતીઓ ભયમાં
ઢાકા : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ટોળા દ્વારા ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઢાકાથી માત્ર ૧૫૦ કિમી દૂર એક ગામમાં ફાર્મસીની દુકાન ચલાવતા ખોકન ચંદ્ર દાસ પર બુધવારે કટ્ટરવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દુકાન બંધ કરીને તેઓ પરત જઇ રહ્યા હતા ત્યારે તેમને પકડીને જીવતા સળગાવવામાં આવ્યા હતા. જીવ બચાવવા તેઓ નજીકના તળાવમાં કુદી પડયા હતા. જે બાદ કેટલાક લોકોએ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમણે શનિવારે જીવ ગુમાવ્યો હતો.
શરીયતપુરમાં ખોકન ચંદ્ર દાસ પોતાના ગામમાં દવાઓ અને મોબાઇલની દુકાન ચલાવતા હતા. તેઓ ઘણા સમયથી કટ્ટરવાદીઓના નિશાના પર હતા, બુધવારે દુકાન બંધ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં જ બાનમાં લેવામાં આવ્યા અને તેમના પર ધારદાર હથિયારો દ્વારા જીવલેણ હુમલો કરીને તેમના શરીરે પેટ્રોલ છાંટીને જીવતા જ સળગાવાયા હતા. તેઓ જીવ બચાવવા માટે સળગતી હાલતમાં જ તળાવમાં કુદી પડયા છતા બચી ના શક્યા. જ્યારે બાંગ્લાદેશના જ ગાઝીપુરમાં ટોંગીમાં ભીડે સુમન નામના શખ્સ પર હુમલો કરી દીધો હતો, ચોરીનો આરોપ લગાવીને ટોળાએ ઢોર માર માર્યો હતો. બાદમાં તેને થાંભલા સાથે બાંધીને વધુ મારપીટ કરાઇ.
હાલમાં સુમનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સુમન ભીક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ખોકન ચંદ્ર દાસ અને સુમન એ હિન્દુઓમાં સામેલ છે કે જેમના પર તાજેતરમાં બરબરતાપૂર્વક હુમલો થયો છે. આ પહેલા ૨૫ ડિસેમ્બરના રોજ અમૃત મંડલની ટોળાએ ઢોર માર મારીને હત્યા કરી હતી, જ્યારે ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દીપૂ ચંદ્રનું મોબ લિન્ચિંગ થયું હતું અને મૃતદેહને વૃક્ષ સાથે લટકાવીને સળગાવાયો હતો. જ્યારે ૨૯ ડિસેમ્બરના રોજ મેહરાબારી વિસ્તારમાં હિન્દુ બૃજેન્દ્ર બિસ્વાસની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અને હવે કોઇ જ દોષ વગર વધુ એક હિન્દુ ખોકન ચંદ્ર દાસને જીવતા સળગાવીને કટ્ટરવાદીઓએ મારી નાખ્યા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તામાંથી હટાવ્યા બાદ મોહમ્મદ યુનુસ દ્વારા સરકારની કમાન સંભાળવામાં આવી છે ત્યારથી કટ્ટરવાદ વકરી રહ્યો છે. મોહમ્મદ યુનુસે જાણે કટ્ટરવાદીઓને હિન્દુઓની હત્યા માટે ખુલી છૂટ આપી હોય તેમ દરરોજ હિન્દુઓ પર ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે.
વિવાદ થતાં અંતે બાંગ્લાદેશનો ક્રિકેટર રેહમાન કેકેઆરમાંથી આઉટ
કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ બાંગ્લાદેશના ખેલાડી મુસ્તાફિઝુર રેહમાનને ટીમમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કટ્ટરવાદીઓ દ્વારા હુમલા વધી રહ્યા છે, ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે એવામાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના આ ખેલાડીને ખરીદવા બદલ કોલકાતા નાઇટ રાઇડર્સ અને શાહરુખ ખાનની ભારે ટિકા થઇ રહી હતી. આઇપીએલની મિની હરાજીમાં રેહમાનને ૯.૨૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. હાલમાં બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો ખરાબ થઇ રહ્યા છે એવામાં બાંગ્લાદેશ સાથે ક્રિકેટ રમવાનું ટાળવામાં આવી રહ્યું છે.



