સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist guide’s account of 32 people

![]()
મ્યુલ એકાઉન્ટ મામલે મેંદરડામાં 2 ફરિયાદ : આલીધ્રાના યુવાનના જૂનાગઢની ખાનગી બેંકનાં ખાતામાં પણ 4 વ્યક્તિ સાથે થયેલા સાયબર ફ્રોડના 18 લાખ આવ્યા
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ મામલે વધુ બે ફરિયાદ થઈ છે. સાસણના ટૂરિસ્ટ ગાઈડના મેંદરડાની બેંકમાં આવેલા ખાતામાં 32 વ્યક્તિઓ સાથે થયેલા સાયબર ફ્રોડના 2.19 કરોડ જમા થયા હતા, જ્યારે આલીધ્રાના યુવાનના જૂનાગઢની ખાનગી બેંકના ખાતામાં ચાર વ્યક્તિ સાથે થયેલા ફ્રોડના 18 લાખ જમા થયા હતા. પોલીસે આ બંને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દેશભરમાં સાયબર ફ્રોડ મારફત આવતી રકમ ભાડાના એકાઉન્ટમાં જમા કરવા મામલે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં 20થી વધુ ગુના દાખલ થયા છે. મેંદરડા તાલુકાના સાસણમાં રહેતા અને ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતા ફિરોજ સુલેમાન રાનીયાના ખાતા અંગેની એનસીસીઆરપી પોર્ટલ પરથી વિગતો આવતા પોલીસે તપાસ કરી હતી. જેમાં ફિરોજ રાનીયા ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતો હોવા છતાં તેણે પરફેક્ટ ઓઈલ એજન્સીના પ્રોપરાઈટર તરીકેની ખોટી ઓળખ આપી મેંદરડાની એસબીઆઈ શાખામાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી લીધુ હતું. જેમાં દિલ્હી, આંધ્ર, હરિયાણા, યુપી, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, મહારાષ્ટ્ર, તમીલનાડુ, મીઝોરમ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા 32 લોકોના 2,19,75,420 રૂપિયા જમા થયા હતા. આ રકમ સગેવગે પણ થઈ ગઈ હતી. મેંદરડા પોલીસે સાસણના ફિરોજ સુલેમાન રાનીયા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન, મેંદરડા તાલુકાના આલીધ્રામાં રહેતા પ્રમોદ ત્રિકમ ભાખરના જૂનાગઢની ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના ખાતામાં પણ આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ચાર વ્યક્તિના કુલ 18 લાખ રૂપીયા જમા થયા હતા. આ રકમ વિડ્રો કરી સગેવગે પણ કરી દેવામાં આવી હતી. આ મામલે મેંદરડા પોલીસે આલીધ્રાના પ્રમોદ ત્રિકમ ભાખર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



