મોરબીની આંગડિયા પેઢીએ કચ્છના બે ધંધાર્થીના રૂ. 46 લાખ હડપ કર્યા | Morbi’s Angadiya firm embezzles Rs 46 lakh from two businessmen from Kutch

![]()
કચ્છના 2 ટ્રાન્સપોર્ટરને ધુંબો મારી દીધાની ફરિયાદ : સિરામિક એકમોને કોલસો સપ્લાય કર્યા બદલનાં ટ્રક ભાડાંની આંગડિયા પેઢીમાં આવેલી રકમ ટ્રાન્સપોર્ટરને ન ચૂકવી ઠગાઇ
મોરબી, : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ડી બાબુલાલ આંગડિયા પેઢી દ્વારા વિશ્વાસઘાત કરી કચ્છના બે ટ્રાન્સપોર્ટરોનાં અંદાજે ૪૬.૪૫ લાખ રૃપિયા ઓળંવી જવાની ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટરે આંગડિયા પેઢીના માલિક અને કર્મચારી સામે મોરબી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભુજ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા કલ્પેશભાઇ રમેશભાઇ ઠક્કરે એ મોરબી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે અને મોરબીના સિરામિક એકમોમાં કોલસા પહોંચાડે છે. ટ્રક ભાડાના રૃપિયાની લેતી દેતી માટે ડી બાબુલાલ પેઢીનો ઉપયોગ કરતા હતા. ફરિયાદીના ટ્રાન્સપોર્ટ ભાડાના કુલ ૨૫,૦૧,૯૧૦ અને તેમના સંબંધી સુનીલભાઈનાં ૨૧,૪૩,૮૫૦ મળી કુલ ૪૬,૪૫,૭૬૦ આ આંગડિયા પેઢીમાં જમા થયા હતા. જયારે આ રૃપિયા મોકલવાનું કહેવામાં આવ્યું, ત્યારે કર્મચારી દિલીપસિંહ ગોહિલ ફોન બંધ કરીને ફરાર થઇ ગયો હતો.
જયારે ફરિયાદી તેમના સાથીઓ સાથે તપાસ કરવા પેઢી પર પહોંચ્યા ત્યારે માલિક જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલે ગમે તેમ કરીને રકમ ચૂકવવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે વારંવારની રજૂઆતો બાદ પણ નાણાં પરત ન મળતા અને અંતે માલિકે પણ ફોન ઉપાડવાનું બંધ કરતા પેઢીના માલિક જગદીશભાઈ પટેલ, કર્મચારી દીલીપસિંહ ગોહિલ અને અન્ય મદદગારો વિરૂદ્ધ ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.



