गुजरात

ટિકિટ ખરીદવા માટે ઉત્સુક ક્રિકેટચાહકોને છેતરવા સાયબર ગઠિયા સક્રિય થયા | Cyber ​​criminals have become active in defrauding cricket fans eager to buy tickets



કોટંબી ગામ ખાતે આવેલા બીસીએ સ્ટેડિયમમાં આગામી તા. ૧૧ જાન્યુઆરીએ રમાનારી ભારત -ન્યૂઝીલેન્ડ એકદિવસીય મેચને લઈ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થતાં જ ગણતરીની મિનિટોમાં અંદાજે ૨૫ હજાર ટિકિટો સોલ્ડઆઉટ થઈ ગઈ હતી. જો કે આ ઉત્સુકતાનો લાભ લેવા સાયબર ઠગ ગેંગ પણ સક્રિય થઈ છે.

સાયબર ઠગો ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર ટિકિટની ઓફરો મૂકી લોકોને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત ઠગો સીધા વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર સંપર્ક કરી બ્લેકમાં ટિકિટ અપાવવાની વાત કરે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાને બીસીએ દ્વારા ટિકિટ વિતરણ માટે ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મનો એમ્પ્લોય હોવાનું જણાવી રહ્યો છે. આ વ્યક્તિ રૂ. ૧હજારથી લઈને રૂ. ૨.૧૫ લાખ સુધીની ટિકિટોની ઓફર કરે છે. આ ઉપરાંત ટ્વીટર પર પણ અનેક લોકો મેચની ટિકિટોના ફોટા અપલોડ કરી કોમેન્ટમાં મોબાઈલ નંબર માંગતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

આ સંજોગોમાં પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ક્રિકેટચાહકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરનું કહેવું છે કે, મહત્વની ક્રિકેટ મેચો દરમિયાન ટિકિટની અછતનો લાભ લઈ સાયબર માફિયા સક્રિય થાય છે. યુઝર્સને શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તરત પોલીસ કે મેનેજમેન્ટને જાણ કરવી. ઓનલાઇન પ્લેટફોર્મ પર આંધળો વિશ્વાસ ન રાખવો, નહીં તો નાણાં ગુમાવવાનો ખતરો રહે છે.

બીસીએના ખજાનચી શિતલ મહેતાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે, ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની તમામ ટિકિટો સત્તાવાર પ્લેટફોર્મ પર વેચાઈ ગઈ છે. બુક થયેલી ટિકિટોની કુરિયર મારફતે ડિલિવરી શરૂ થઈ ગઈ છે. ક્રિકેટચાહકોને અનઅધિકૃત બુકિંગ પ્લેટફોર્મ અથવા વ્યક્તિઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. સ્ટેડિયમની મર્યાદિત ક્ષમતાને કારણે ટિકિટ ન મળી શક્વાને લઈ એશોસિયેશને ખેદ વ્યક્ત કર્યો છે.



Source link

Related Articles

Back to top button