વેનેઝુએલા પર એર સ્ટ્રાઈક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- ‘મેં TV શોની જેમ રિયલ ટાઈમ કાર્યવાહી જોઈ’ | US Venezuela Conflict donald trump live watched venezuela strikes

![]()
US Venezuela Conflict: અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સૈન્ય સુવિધાઓ અને અનેક ખાસ જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી. કારાકસની સાથે મિરાંડા, અરગુઆ અને લા ગુઇરા રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ થયા. આ હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ દેશમાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા એડેલા ફ્લોરેસ હવે અમેરિકન સૈનિકોના કબજામાં છે. ત્યારે હવે અમેરિકન સૈન્ય કાર્યવાહી બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘વેનેઝુએલા પર થયેલી કાર્યવાહી તેમણે રિયલ ટાઈમમાં જોઈ.’
માદુરોની ધરપકડને લાઈવ જોવી TV શોની જેમ: ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ‘વેનેઝુએલાના માદુરોને ન્યૂયોર્ક લવાશે. વેનેઝુએલા પર કરાયેલી કાર્યવાહી સંકેત છે કે અમે કોઈના દબાણમાં નહીં આવીએ. અમે આ ઓપરેશન માટે ચાર દિવસની રાહ જોઈ. માદુરોને પકડવાનું સીધુ પ્રસારણ જોવું, જે કોઈ ટીવી શો જેવું હતું.’
ફોક્સ ન્યૂઝની સાથે લાઈવ ફોન કોલમાં ટ્રમ્પે કહ્યું કે, ‘તેમણે ફ્લોરિડામાં પોતાના માર-એ-લાગો રિસોર્ટથી મિલિટ્રી ઓપરેશનને રિયલ ટાઈમમાં જોયું. મેં ફ્લોરિડામાં જ્યાં અમે હતા અને વેનેઝુએલામાં ફીલ્ડમાં થઈ રહેલા કોમ્યુનિકેશનને સાંભળ્યું. આ જોવું અદભુત હતું કે તેઓ કેટલા સારા હતા, કેટલા પ્રોફેશનલ હતા, અમારી પાસે જે સાધનો છે, તે કેટલા શાનદાર છે, મારો મતલબ છે- સાધનો(ઇક્વિપમેન્ટ)નું લેવલ અને એ જોવું કે આ કેટલું સારી રીતે કામ કર્યું, આટલી પરફેક્શન સાથે.’
અમેરિકાની સેનાને કોઈ નુકસાન નહીં: ટ્રમ્પ
તેમણે એ પણ જણાવ્યું કે, ઓપરેશન દરમિયાન અમેરિકન સેનાને કોઈ નુકસાન નથી થયું. તેમણે કહ્યું કે, ‘કેટલીક ઈજા થઈ, પરંતુ અમારા તરફથી કોઈ મોત ન થવું, સાચે અદભુત છે.’ ટ્રમ્પે આ મિલિટ્રી ઓપરેશનની સરખામણી બાઇડેન વહીવટી તંત્ર દરમિયાન અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાની વાપસી સાથે કરી. તેમણે કહ્યું કે, ‘ હવે અમે હાંસીને પાત્ર નથી.’
ક્યાં છે માદુરો અને તેમની પત્ની?
APના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, ‘માદુરો અને તેમની પત્ની અમેરિકાના યુદ્ધજહાજ પર છે અને ન્યૂયોર્કમાં તેના પર કેસ ચાલશે.’ રિપોર્ટ અનુસાર, વેનેઝુએલાની સત્તાધારી પાર્ટી પાર્ટીના નેતાએ જણાવ્યું કે, જ્યારે માદુરોને અમેરિકન ઓપરેશનમાં પકડવામાં આવ્યા, ત્યારે તેઓ એક મિલિટ્રી બેઝ પર પોતાના ઘર પર હતા.
ચાર દિવસ પહેલા બનાવી લીધી હતી માદુરોને પકડવાની યોજના
ફોક્સ ન્યૂઝની સાથે એક ફોન કોલમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, ‘વેનેઝુએલા પર હુમલા અને માદુરોને પકડવાની યોજના ચાર દિવસ પહેલા બનાવી હતી, પરંતુ હવામાન બરાબર ન હતું. હવામાન બરાબર હોવું જોઈએ. જેટલું અમે વિચાર્યું હતું તેનાથી થોડા વધારે વાદળો હતા, પરંતુ એ સારું હતું કે અમે ચાર દિવસની રાહ જોઈ. અમે આ ચાર દિવસ પહેલા, ત્રણ દિવસ પહેલા, બે દિવસ પહેલા કરવાના હતા, અને પછી અચાનક હવામાન સાફ થઈ ગયું, અને અમે કહ્યું જાઓ.’
અહેવાલો અનુસાર, માદુરોની ધરપકડ પછી અમેરિકા હવે વેનેઝુએલા માટે આગળ શું કરવું તે નક્કી કરી રહ્યું છે. ફોક્સ ન્યૂઝને ટ્રમ્પે જણાવ્યું કે, ‘અમે તેમાં ખૂબ જ સામેલ થઈશું.’



